કેન્દ્ર સરકારે ગુરુવારે વર્તમાન નાણા સચિવ તુહિન કાંતા પાંડેને બજાર નિયમનકાર SEBIના વડા તરીકે નિયુક્ત કર્યા છે. તુહિન કાંતા પાંડે હવે માધવી પુરી બુચનું સ્થાન લેશે. માધવપુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ એટલે કે આજે સમાપ્ત થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઓડિશા કેડરના IAS અધિકારી 1987 બેચના છે. તેઓ હવે આગામી ત્રણ વર્ષ માટે સેબીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે.
કયા પદો પર નિભાવી છે ફરજ ?
તુહિન પાંડેએ તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ પદો પર ફરજ નિભાવી છે. તેમણે રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM), જાહેર સાહસો વિભાગ (DPI) અને કર્મચારી અને તાલીમ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેમણે સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન (UNIDO) ના પ્રાદેશિક કાર્યાલયમાં ફરજ નિભાવી ચૂક્યા છે. તેઓ નાણામંત્રી નિર્મલા સીતારમણની ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.
કેટલું છે શિક્ષણ?
તુહિન પાંડેએ આયોજન પંચ (હવે નીતિ આયોગ), કેબિનેટ સચિવાલય અને વાણિજ્ય મંત્રાલયમાં પણ વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે. ઓડિશા સરકાર હેઠળ, તેમણે આરોગ્ય, સામાન્ય વહીવટ, વાણિજ્યિક કર, પરિવહન અને નાણાં વિભાગોમાં વહીવટી વડા તરીકે સેવા આપી છે. શિક્ષણ ક્ષેત્રે, તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને યુકેની બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવી છે.
ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રી એટલે કે એમએ મેળવનાર તુહિન કાંત પાંડે પણ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ગયા હતા. મેનેજમેન્ટનો અભ્યાસ કરવા બ્રિટન ગયેલા પાંડેએ બર્મિંગહામ યુનિવર્સિટી (યુકે)માંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) ની ડિગ્રી મેળવી.
નવા સેબીને કેટલો પગાર મળશે?
નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે જાન્યુઆરીમાં સેબીના ચેરમેન પદ માટે અરજીઓ મંગાવી હતી. જાહેરાત મુજબ, સેબીના અધ્યક્ષને ભારત સરકારના સચિવ જેટલો પગાર મળશે, જે દર મહિને રૂ. 5,62,500 (ઘર અને કાર વિના) છે.
આજે પુરો થઇ રહ્યો છે માધવી પુરીનો કાર્યકાળ
મહત્વનું છે કે માધવી પુરી બુચે માર્ચ 2022 માં સેબીના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મહત્વનું છે કે સેબીના વડા તરીકે આ પદ પર નિયુક્ત થનાર માધવી પુરી બૂચ પ્રથમ મહિલા હતા. તેમનો કાર્યકાળ આજે 28 ફેબ્રુઆરી,2025એ પૂર્ણ થઈ રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકન કંપની હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ સાથે સંબંધિત કેટલાક વિવાદો પ્રકાશમાં આવ્યા બાદ તેમના પર અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષી પક્ષોએ તેમના રાજીનામાની માંગ કરી અને સેબીના કામકાજમાં સંભવિત પક્ષપાતના આરોપો લગાવ્યા હતા.
જોકે, બુચે આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને પોતાના પદ પર સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. હવે તુહિન પાંડે નવી જવાબદારી સંભાળ્યા પછી સેબીને ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડશે, જેમાં બજારમાં સતત વધઘટ એક મોટો મુદ્દો બની શકે છે.













