વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. આ વખતે ઉત્તરાખંડમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન દહેરાદૂનથી લખનૌ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેન પર પથ્થરમારો થવા લાગ્યો. જેના કારણે કોચ સી-6નો કાચ તૂટી ગયો હતો. પથ્થરમારો જોઈ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ આરપીએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી.


 રેલવે વિભાગ એક્શનમાં આવ્યું

શુક્રવારે દહેરાદૂનથી લખનૌ જઈ રહેલી વંદે ભારત ટ્રેન નંબર 22546 પર લક્સર-મુરાદાબાદ રેલવે સેક્શન પર ખડંજા કુતુબપુર ગામ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટ્રેનના કોચ સી-6 પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે કોચનો કાચ તૂટી ગયો હતો. ટ્રેનના ડ્રાઈવરે આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમ મુરાદાબાદને કરી હતી. માહિતી બાદ રેલવે વિભાગ એક્શનમાં આવ્યું હતું.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી

ઘટનાની માહિતી મળતા જ લક્સર આરપીએફના ઈન્સ્પેક્ટર રવિ કુમાર સિવાચ, સબ ઈન્સ્પેક્ટર કૃષ્ણ શર્મા, હેડ કોન્સ્ટેબલ વિજેન્દર સિંહ, કોન્સ્ટેબલ પુનીત તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ત્યારબાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પથ્થરમારો કરનાર આરોપી સલમાન ખડંજા કુતુબપુર ગામનો રહેવાસી છે.

પથ્થરમારાના કારણે મુસાફરોમાં ભયનો માહોલ

લક્સર આરપીએફના નિરીક્ષક રવિ કુમાર સિવાચે જણાવ્યું કે, આરોપીઓ વિરુદ્ધ રેલવે એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટ્રેન પર પથ્થરમારાની ઘટના બાદ મુસાફરો ગભરાઈ ગયા હતા અને અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. આરપીએફના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શાનમુંગ વાડીવાલ એસએ જણાવ્યું હતું કે, ઘટના બાદ તરત જ આરોપીઓને પકડવા માટે બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમે તત્પરતા બતાવી અને આરોપી સલમાનની ધરપકડ કરી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરાયો હતો.


  • Follow us on: