- 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે બંને દેશોમાં ધરા ધણધણી ઉઠી
- બંને દેશોમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી
- ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ
ભારત અને બાંગ્લાદેશમાં શનિવારે સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 9.05 વાગ્યે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે બંને દેશોમાં ધરા ધણધણી ઉઠી હતી. જોકે, સદનસીબે, અત્યાર સુધી બંને દેશોમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
જાણકારી મુજબ, પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું. પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ક્યાંયથી કોઈ નુકસાનની જાણ નથી.
લદ્દાખની ધરા ધ્રુજી
લદ્દાખમાં આજે શનિવારે (2 ડિસેમ્બર 2023) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાની થઈ નથી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ સવારે 8.25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 35.44 ડિગ્રી અક્ષાંશ અને 77.36 ડિગ્રી રેખાંશ પર હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ક્યાંયથી કોઈ નુકસાનની જાણ થઈ નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ દિવસોમાં હિમાલયની પર્વતમાળામાં બે પ્લેટો વચ્ચે વધતા આંતરિક ઘર્ષણને કારણે આ વિસ્તારોમાં ભૂકંપની વધુ ઘટનાઓ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ભૂતકાળમાં અફઘાનિસ્તાન, જમ્મુ કાશ્મીર, નેપાળ, અરુણાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે.