કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરાયેલ અને દિલ્હીની તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. સુકેશ ચંદ્રશેખર ફરી એકવાર તેના પત્રને કારણે સમાચારમાં છે. દર વખતે જેકવેલીનને પત્ર મોકલતા સુકેશ ચંદ્રશેખરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને ચોંકાવનારો પત્ર લખ્યો છે.
વિદેશી આવકને ટેક્સ દાયરામાં લેવા કરી વિનંતી
આ પત્રમાં, તેમણે વર્ષ 2024 માટે કરોડો રૂપિયાની તેમની જાહેર કરેલી વિદેશી આવકને કર આયોજનના દાયરામાં લાવવા માટે વિનંતી કરી છે. આ પત્રમાં તેમણે આ મિલકતને વિદેશથી મળેલી આવક ગણાવી છે. આમાં, તે તેની વિદેશી આવક પર 7,640 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા માંગે છે જે લગભગ 22,410 કરોડ રૂપિયા (આશરે $ 2.7 બિલિયન) છે. આ આવક અંગે તેણે જણાવ્યું કે તેણે નાણાકીય વર્ષ 2024-2025માં તેની બે વિદેશી કંપનીઓમાંથી આ કમાણી કરી છે.
જો સેટલમેન્ટ શક્ય હોય તો ટેક્સ ભરવા તૈયાર
સુકેશે દાવો કર્યો છે કે તેમની બે વિદેશી કંપનીઓ એલએસ હોલ્ડિંગ્સ ઈન્ટરનેશનલ (નેવાડા, યુએસએ) અને સ્પીડ ગેમિંગ કોર્પોરેશન (બ્રિટિશ વર્જિન આઈલેન્ડ) 2016થી કાર્યરત છે. આ કંપનીઓ ઓનલાઈન અને ઓફલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના ક્ષેત્રમાં કામ કરે છે. સુકેશે કહ્યું કે તેનો બિઝનેસ અમેરિકા, સ્પેન, બ્રિટન, દુબઈ અને હોંગકોંગ જેવા ઘણા દેશોમાં ફેલાયેલો છે અને તેણે 2024માં આ કંપનીઓમાંથી 2.7 બિલિયન ડોલરની કમાણી કરી છે. ત્યારે 2012-2019 ના વર્ષોથી મારી ભારતીય આવક માટે ભારતમાં મારી સામે આવકવેરા વસૂલાતની કાર્યવાહી અને અપીલો પેન્ડિંગ છે. આ સંબંધિત કોર્ટમાં પેન્ડિંગ છે. જો સમાધાન શક્ય હોય તો હું બધી બાકી કરવેરા માંગણીઓનો ઉકેલ લાવવા તૈયાર છું.
મારી આવક કાયદેસરની છે
એક અહેવાલ મુજબ સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે આ આવક પર ટેક્સ ભરવાની સાથે તે ભારતમાં ટેક્નોલોજી અને ઓનલાઈન સ્કીલ ગેમિંગના ક્ષેત્રમાં રોકાણ કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની આવક સંપૂર્ણપણે કાનૂની છે અને તે આંતરરાષ્ટ્રીય બેંકિંગ કાયદાઓનું પાલન કરે છે. આ સાથે કૃપા કરીને નોંધ લો કે હાલમાં હું અનેક નાણાકીય બાબતોનો સામનો કરી રહ્યો છું અને ન્યાયિક કસ્ટડીમાં છું. હું એક અંડરટ્રાયલ કેદી છું. મને અત્યાર સુધી કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો નથી તેથી મારી કોઈપણ આવક ગેરકાયદેસર છે એમ કહેવું ખોટું હશે.