છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં 16 નક્સલીઓ ઠાર મરાયા છે. આ મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. અને જણાવ્યુ છે કે, નક્સલવાદનો અંત લાવવાના સરકારના સંકલ્પનો આ એક ભાગ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની પોસ્ટમાં આ વાત કહેવામાં આવી છે. એન્કાઉન્ટર બાદ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.


નક્સલવાદ પર ફરી એક હુમલો !

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની તેમની પોસ્ટમાં, તેમણે કહ્યું, "નક્સલવાદને વધુ એક ફટકો! આપણી સુરક્ષા એજન્સીઓએ સુકમામાં એક ઓપરેશનમાં 16 નક્સલીઓને મારી નાખ્યા છે અને ઓટોમેટિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં, અમે 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા માટે કટિબદ્ધ છીએ. હથિયાર ધારણ કરનારાઓને મારી અપીલ છે કે હથિયારો અને હિંસા દ્વારા પરિવર્તન આવી શકતું નથી. ફક્ત શાંતિ અને વિકાસ જ પરિવર્તન લાવી શકે છે."

  

28 માર્ચથી આ ઓપરેશન શરૂ

સુકમા જિલ્લાના કેરળપાલ વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી ઓપરેશનમાં અત્યાર સુધીમાં 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જિલ્લા રિઝર્વ ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમે 28 માર્ચથી આ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારથી આ ઓપરેશન ચાલી રહ્યું છે. 29 માર્ચે સવારે 8 વાગ્યાથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સતત ચાલી રહી છે.

મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત

સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. જેમાં AK-47, SLR, INSAS રાઇફલ, પોઈન્ટ 303 રાઇફલ, રોકેટ લોન્ચર, BGL લોન્ચર અને વિસ્ફોટક સામગ્રીનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે, અને સુરક્ષા દળોએ આ કાર્યવાહીમાં વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાની અથવા ઘાયલ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ કામગીરી દરમિયાન, બે ડીઆરજી સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોની હાલત સામાન્ય હોવાનું અને તેઓ ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. હાલમાં, એન્કાઉન્ટર સ્થળની આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

  • Follow us on: