સુપ્રિમ કોર્ટે સોમવારે એકવાર ફરી મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને કર્નલ સોફિયા કુરેશીને લઇને આપેલા નિવેદન અંગે ફટકાર લગાવી છે. મંત્રી વિજય શાહે કરેલી ટિપ્પણીને લઇને ચોમેરથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે સુપ્રિમ કોર્ટ પણ આ મામલે મંત્રીની માફી સ્વીકારવા તૈયાર નથી. કોર્ટે આગળ કહ્યું કે તમે સાર્વજનિક ચહેરો છો. અનુભવી નેતા છો. તમારે બોલ્યા પહેલા તમારા શબ્દો પર ધ્યાન આપવુ જોઇએ. આ સેના માટે મહત્વનો મુદ્દો છે. આ મામલે ઘણુ જવાબદાર બનવુ પડશે.


SITની કરી રચના 

સુપ્રિમ કોર્ટે આ મામલે એસઆઇટીની રચના કરી છે. જેમાં 3 વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓને રાખવામાં આવ્યા છે. જેમાં એક મહિલા અધિકારી પણ હશે. ત્રણેય અધિકારીઓ મધ્યપ્રદેશની બહારના હશે અને કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મંત્રીના નિવેદનની તપાસ કરશે.

આ અંગે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તમારી ટિપ્પણીથી આખો દેશ શર્મસાર થયો છે. અમે તમારો વીડિયો જોયો છે. તમે બહુ ગંદી ભાષાનો ઉપયોગ કર્યો છે. તમને શરમ આવવી જોઇએ. આખો દેશ આપણી સેના પર ગર્વ કરી રહ્યો છે અને તમે આવા નિવેદનો આપો છો. તેમણે મંત્રીને સવાલ પણ કર્યો અને કહ્યું કે આ કયા પ્રકારની માફી છે. તમારે તમારી ભૂલ સ્વીકારવી જોઇતી હતી. પરંતુ તમે તો કહી રહ્યા છો કે જો આવુ કહેવાથી આવુ થયુ હોય તો..માફી માગુ છું. માફી માગવાની આ કોઇ રીત નથી. તમને શરમ આવવી જોઇએ.

'પહેલો રિપોર્ટ 28 મે સુધીમાં દાખલ કરવો જોઈએ'

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં IG રેન્કના અધિકારીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવા જણાવ્યું છે. આ ટીમમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ટીમ મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ બાદ નોંધાયેલી FIRની તપાસ કરશે. બેન્ચે કહ્યું કે SIT દ્વારા 28 મે સુધીમાં પહેલો રિપોર્ટ દાખલ કરવામાં આવે.


ઉલ્લેખનીય છે કે મંત્રીએ આપેલા નિવેદન અંગે હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ ફટકાર લગાવી ચૂકી છે. આ અંગે મંત્રીએ બે વખત માફી પણ માગી છે. કોંગ્રેસ તથા વિપક્ષી પક્ષો વિજય શાહને પદ પરથી હટાવાની માગ કરી રહ્યા છે. તેમના વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ થઇ છે. તેઓને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને મુલાકાત કરવામાં આવી હતી.


  • Follow us on: