ભાષાને લઇને ચાલી રહેલી રાજનીતિથી હાલમાં ચર્ચામાં રહેલા કમલ હાસન હવે રાજ્યસભામાં એન્ટ્રી લઇ શકે છે. તમિલનાડુમાં શાસક પક્ષ ડીએમકેએ બુધવારે આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓનું કહેવુ છે કે તેઓ રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં 4 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ કહ્યું છે કે તેઓએ કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (MNM) ને એક બેઠક આપી છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભા માટે દ્વિવાર્ષિક ચૂંટણી 19 જૂને યોજાવા જઈ રહી છે.
ડીએમકેએ 3 ઉમેદવારોની જાહેરાત કરી
ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ વકીલ પી વિલ્સનને ફરીથી નોમિનેટ કર્યા છે. જ્યારે અન્ય બે ઉમેદવારમાં સેલમથી પાર્ટી નેતા એસઆર શિવલિંગમ અને કવિ, લેખક અને પાર્ટી કાર્યકર્તા રુકૈયા મલિક ઉર્ફે કવિગ્નાર સલમા હશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના 6 રાજ્યસભા સાંસદ 24 જુલાઈ 2025 ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થનારા નેતાઓમાં પીએમકેના અંબુમણી રામદાસ અને એમડીએમકેના ટોચના નેતા વાઇકોનો પણ સમાવેશ થાય છે.
શું છે ચૂંટણી સમીકરણ
ડીએમકે પાર્ટીના વડા અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા કરાર મુજબ કમલ હાસનની પાર્ટીને દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં એક બેઠક આપવામાં આવી છે. વિધાનસભામાં તેના અને સાથી પક્ષોના સભ્યોની સંખ્યાની મદદથી ડીએમકે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં 6 માંથી 4 બેઠકો જીતી શકે છે. જ્યારે વિરોધ પક્ષ એઆઈએડીએમકે ભાજપ અને અન્ય સાથી પક્ષોની મદદથી બે બેઠકો જીતી શકે છે.
કમલ હાસનની પાર્ટીનું શું છે કહેવુ ?
કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) એ પણ સંકેત આપ્યો છે કે અભિનેતા રાજ્યસભામાં જઈ શકે છે. પાર્ટીના નેતા મુરલી અપ્પાએ કહ્યું કે અમે મક્કલ નિધિ મય્યમ પાર્ટીમાંથી કમલ હાસનને રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટવાનો ઠરાવ પસાર કર્યો છે.