ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાના લગ્નની અટકળો વચ્ચે તસવીરો સામે આવી છે. એમાં જોવા મળ્યુ છે કે તેજસ્વી સૂર્યાના લગ્ન થઇ ગયા છે. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી શેર થઇ રહી છે. તેજસ્વી સૂર્યાએ ચેન્નાઈ સ્થિત પ્રખ્યાત ગાયિકા અને ભરતનાટ્યમ નૃત્યાંગના શિવશ્રી સ્કંદપ્રસાદ સાથે લગ્ન કર્યા છે. બેંગલુરુમાં લગ્ન સમારોહ ખૂબ જ ગુપ્ત રીતે યોજાયો હતો. જો કે આ અંગે તેમણે પોતે કોઇ નિવેદન આપ્યું નથી.
કોણ છે પત્ની ?
તેજસ્વી સૂર્યાની પત્ની શિવશ્રીએ શાસ્ત્ર યુનિવર્સિટીમાંથી બાયોએન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે. તેઓએ ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી ભરતનાટ્યમમાં MAની ડિગ્રી પણ મેળવી છે. શિવશ્રી પાસે એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના 2 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. મળતી માહિતી મુજબ તેજસ્વી સૂર્યા અને શિવશ્રીના લગ્ન 6 માર્ચે બેંગલુરુમાં થયા હતા. લગ્ન પછી 9 માર્ચે ગાયત્રી વિહાર, પેલેસ ગ્રાઉન્ડ, બેંગલુરુ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ આવી શકે છે.
પત્ની છે સિંગર
શિવશ્રી એક પ્રખ્યાત કર્ણાટક ગાયિકા છે. તેમણે માત્ર ચેન્નાઈ જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં મોટા કાર્યક્રમોમાં પર્ફોર્મ કર્યું છે. 2014 માં PM નરેન્દ્ર મોદીએ તેમના ગીતની પ્રશંસા કર્યા પછી તે રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા હતા. તેમણે કન્નડ ભાષામાં એક ભક્તિ ગીત ગાયું.
કોણ છે તેજસ્વી સૂર્યા ?
તેજસ્વી સૂર્યાને ઘણીવાર ભાજપમાં 'ફાયરબ્રાન્ડ' નેતા કહેવામાં આવે છે. તેજસ્વી સૂર્યા તેમના રાજકીય સક્રિયતા અને તેજ વ્યક્તિત્વ માટે જાણીતા છે. તેમણે પોતાની રાજકીય સફર ABVP થી શરૂ કરી હતી. 2019 ની લોકસભા ચૂંટણીમાં, તેમણે બેંગલુરુ દક્ષિણથી મોટા માર્જિનથી જીત મેળવી અને સૌથી યુવા સાંસદોમાંના એક બન્યા. વર્ષ 2020 માં ભાજપે તેમને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. તેજસ્વીના લગ્નના સમાચારે સોશિયલ મીડિયા પર ચર્ચાને જોર આપ્યું છે. લોકો આ કપલને અભિનંદન આપી રહ્યા છે.