જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ પાસે સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. જેમાં બે જવાન શહીદ થયા હતા. બે કુલીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય ત્રણ અન્ય ઘાયલ થયા છે. ગુલમર્ગના નાગીન વિસ્તારમાં 18 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાનું વાહન બોટપથરીથી આવી રહ્યું હતું, જે નિયંત્રણ રેખા (એલઓસી)થી 5 કિમી દૂર છે, ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો.
બારામુલા પોલીસનું નિવેદન
આ હુમલાની માહિતી બારામુલા પોલીસે આપી છે. પોલીસે કહ્યું કે, નાગિન પોસ્ટની આસપાસ બુટાપથરી સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ પહેલા ગુરુવારે સવારે આતંકવાદીઓએ પુલવામાના ત્રાલમાં એક બિન-સ્થાનિક મજૂરને ગોળી મારી દીધી હતી. ગોળી તેના હાથમાં વાગી હતી.
મળતી માહિતી અનુસાર આતંકીઓએ સેનાના વાહન હુમલો કર્યો છે. સેના અને પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તાજેતરના દિવસોમાં કાશ્મીરમાં વિદેશી મજૂરો પર હુમલાની ઘટનાઓ વધી છે. આજે સવારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ યુપીના એક મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યો હતો.
બટાગુંડ ત્રાલમાં આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે આજે વધુ એકવાર બિન કાશ્મીરી લોકોને નિશાનો બનાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બટાગુંડ ત્રાલમાં ફાયરિંગ થતા એક શખ્સ ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. તેને હાલમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મહત્વનું છે કે કાશ્મીરમાં એક જ અઠવાડિયામાં આ ત્રીજો હુમલો છે. ગત દિવસોમાં જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં એક શખ્સની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
અગાઉ પણ હત્યાઓ થઈ ચુકી છે
આ પહેલા ગયા રવિવારે ગાંદરબલ જિલ્લામાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આતંકી હુમલો થયો હતો. જેમાં 6 મજૂરો અને એક સ્થાનિક ડોક્ટરનું મોત થયુ હતું, જ્યારે 18 ઓક્ટોબરે શોપિયાં જિલ્લામાં બિહારના એક મજૂરને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.