• ત્રણ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થવાની સંભાવના
  • ચોમાસુ સત્રમાં રજુ કરાયેલ બિલ પર થશે ચર્ચા
  • 19 દિવસ ચાલશે શિયાળુ સત્ર

સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્રએ 2 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્ર સરકાર વતી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આ બેઠક માટેની જાહેરાત કરી છે. પ્રહલાદ જોશીએ X (પહેલા ટ્વિટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 19 દિવસના સત્રમાં 15 બેઠકો થશે. સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે.

ત્રણ મહત્વપૂર્ણ બિલો પર થઇ શકે છે ચર્ચા

આ સત્ર દરમિયાન ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), અને પુરાવા અધિનિયમને બદલવાના લક્ષ્યાંક ધરાવતા ત્રણ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થવાની સંભાવના છે. સામાન્ય રીતે શિયાળુ સત્ર નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે અને 25 ડિસેમ્બર પહેલા સમાપ્ત થાય છે. સંસદમાં પેન્ડિંગ અન્ય મુખ્ય બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક સાથે સંબંધિત છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક સાથે સંબંધિત બિલ ચોમાસુ સત્રમાં રજૂ કરાયા હતા. સરકારે વિપક્ષો અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં તેને પસાર કરવા માટે દબાણ કર્યું ન હતું કારણ કે તે કેબિનેટ સચિવની જેમ CEC અને ECsનો દરજ્જો લાવવા માંગે છે.

કેવુ ચાલશે સત્ર?

ઉલ્લેખનિય છે કે આગામી 3 ડિસેમ્બરે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવશે જે સંસદની કાર્યવાહી પર અસર કરી શકે છે. આ પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે સંસદનુ આ સત્ર શાંતિમય ચાલશે કે હંગામાભર્યું રહેશે. નોંધનિય છે કે સંસદનુ શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી એમ 19 દિવસ ચાલવાનુ છે.

  • Follow us on: