જંગલોનો આડેધડ નાશ કે પછી ખોરાકની શોધ કહો. વન્યજીવો હવે રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. સમાચારોમાં જોઇએ છીએ કે ક્યારેક સિંહ ઘરની બહાર આંટાફેરા કરે છે તો ક્યારેક દીપડો આખુ ગામ માથે લે છે. ત્યારે યુપીની રાજધાની લખનૌમાં વાઘનો આતંક જોવા મળ્યો છે.
યુપીની રાજધાની લખનૌના રહેમાનખેડા વિસ્તારમાં વાઘનો આતંક જોવા મળ્યો છે. વાઘ આ વિસ્તારમાં વસતા હજારો પરિવારો માટે એક સમસ્યા બની ગયો છે. છેલ્લા 48 દિવસથી 60 ગામોના લોકો તેમના ઘરોમાં કેદ છે કારણ કે વન વિભાગની ટીમ વાઘને પકડવામાં નિષ્ફળ ગઈ છે. આ દરમિયાન વાઘે 15 શિકાર કર્યા છે. જો કે રાહતની વાત તો એ છે વાઘે કોઈ માણસનો શિકાર કર્યો નથી.
ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે !
ગામમાં વાઘ હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. વન વિભાગની ટીમે વાઘને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા છે પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી. વાઘને શોધવા માટે ડ્રોનથી પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે વાઘને વહેલી તકે પકડી લેવામાં આવે, જેથી તેઓ પોતાના ઘરમાંથી બહાર આવી શકે અને સામાન્ય રીતે જીવન જીવી શકે. આ કેસમાં ડીએફઓ સીતાશુ પાંડેએ જણાવ્યું હતું કે વાઘને પકડવા માટે સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પાંજરા પણ લગાવવામાં આવ્યા છે. ખાસ ટીમો અને નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.
અત્યાર સુધી 15 લોકોનો કર્યો છે શિકાર
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રહેમાનખેડા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સબટ્રોપિકલ હોર્ટિકલ્ચરમાં એક વાઘે વાછરડાને મારી નાખ્યું હતું. આ વાઘનો 15મો શિકાર છે. વળી નવાઇની વાત તો એ કે વાઘે જંગલમાં એ જ જગ્યાએ શિકાર કર્યો જ્યાં તેને ફસાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. હાલ વન વિભાગની ટીમો વાઘની શોધમાં મીઠાનગર, ઉલરાપુર અને ડુગોલીની આસપાસના જંગલોમાં શોધખોળ કરી રહી છે. ત્યારે વનવિભાગને પણ ગોથે ચઢાવનાર વાઘ આખરે ક્યારે પાંજરે પુરાશે અને ક્યારે ગ્રામજનો રાહતનો શ્વાસ લેશે તે જોવુ રહ્યું.