તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળના આરોપથી હોબાળો મચ્યો છે. આ મામલે અનેક મંદિરના મહંતોની પ્રતિક્રિયા સામે આવી છે. દોષિતોને સજા આપવાની માગ કરી છે. જો કે આ વચ્ચે લખનૌના એક મંદિરે પ્રસાદને લઇને મોટો નિર્ણય લીધો છે. શું છે મહત્વનો નિર્ણય, આવો જાણીએ.
લખનૌના મનકામેશ્વર મંદિરે તિરુપતિ મંદિરમાં ભેળસેળનો વિવાદ સામે આવતા મહત્વનો નિર્ણય લીધો છે. મંદિરે બહારના પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો છે. આ મંદિરમાં હવે બહારથી લેવાયેલ પ્રસાદ ચઢાવવામાં આવશે નહીં. મનકામેશ્વર મંદિરના મહંત દિવ્યગિરિએ એક નોટિસ જાહેર કરી છે. જેમાં શ્રદ્ધાળુઓને ઘરે બનાવેલો પ્રસાદ અથવા ડ્રાયફ્રૂટ્સ અર્પણ કરવા વિનંતી કરવામાં આવી છે. બહારથી ખરીદેલ પ્રસાદને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવા દેવામાં આવશે નહીં.
મનકામેશ્વર મંદિરમાં પ્રસાદ પ્રતિબંધ
તિરુપતિ મંદિર વિવાદ પર ઘણા લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમાંથી શીખીને મનકામેશ્વર મંદિરમાં આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરના મહંત દિવ્યગીરીનું કહેવું છે કે મનકામેશ્વર મંદિરમાં આવતા ભક્તોએ ભગવાન માટે ઘરેથી જ પ્રસાદ તૈયાર કરવો જોઈએ. તેમણે બહારનો બનેલો પ્રસાદ બનાવવા પર સંપૂર્ણ મનાઇ ફરમાવી છે. હા, ડ્રાયફ્રૂટ્સ ચઢાવી શકાશે. પરંતુ દુકાનમાંથી ખરીદેલ પ્રસાદ મંદિરમાં ચઢાવવા દેવામાં આવશે નહીં. આ નિયમોનું 23 સપ્ટેમ્બર એટલે કે આજથી જ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરના આ નિર્ણયની ચોમેર પ્રશંસા થઇ રહી છે.

તિરુપતિ મંદિર વિવાદ
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ એક લેબ રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે જગનમોહન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીફ ભેળવવામાં આવતું હતું. રેડ્ડી સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મંદિરમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી મળી આવી હતી. લેબ રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. દેશભરમાં સ્થિત મંદિરોના મહંતો અને લાખો લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.