'ઓપરેશન સિંદૂર' પછી, જમ્મુ અને કાશ્મીરની અશાંત સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ત્રીજા દિવસે ભારે ગોળીબાર ચાલુ રહ્યો, જેમાં ત્રણ લોકોના મોત થયા. તેમાં એક અગ્નિવીર સૈનિક પણ છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂંછમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં આંધ્ર પ્રદેશના સિપાહી એમ મુરલી નાઈક નામના સૈનિકનું મોત થયું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને સાત આતંકવાદીઓને ઠાર માર્યા. પાકિસ્તાનના સૌથી મોટા ડ્રોન હુમલા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા શુક્રવારે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા હતા.જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગોળીબારથી પ્રભાવિત ઉરી સેક્ટરની મુલાકાત લીધી હતી.
સીએમ ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે સરહદ પાર તણાવ સતત વધવાથી તેને જ નુકસાન થશે. તેમણે ગુરુવારે જમ્મુમાં થયેલા હવાઈ હુમલાને 1971ના યુદ્ધ પછી શહેર પરના "સૌથી ગંભીર હુમલાઓ" પૈકીના એક તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ લશ્કરી સંઘર્ષ વચ્ચે તણાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.













