ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થઇ ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સેવક ગૃહમાં યુસીસીના પોર્ટલ અને નિયમોનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને રાજ્યસભાના અધ્યક્ષે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ મામલે તેમણે ઉત્તરાખંડ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ઉપરાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે એક દિવસ આખા દેશમાં UCC લાગુ થશે.
ઉપરાષ્ટ્રપતિએ પાઠવ્યા અભિનંદન
આ અંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારતીય બંધારણના અનુચ્છેદ 44 મુજબ રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. આજે આપણે બધા ખૂબ ખુશ છીએ. બંધારણના 75 વર્ષ પૂર્ણ થયા પછી, દેવભૂમિ ઉત્તરાખંડે સમાન નાગરિક સંહિતા અપનાવ્યુ. એક રાજ્યએ આ કર્યું. હું સરકારને તેની દૂરંદેશી માટે અભિનંદન આપું છું. પોતાના રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરીને તેમણે બંધારણ ઘડવૈયાઓના વિઝનને સાકાર કર્યું. મને ખાતરી છે કે આ તો સમયની વાત છે અને એક દિવસ દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ થશે.
આજથી ઉત્તરાખંડમાં UCC લાગુ
ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ માટે 27 મે 2022 ના રોજ એક વિશેષજ્ઞ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ પછી 8 માર્ચ, 2024 ના રોજ વિધાનસભામાં બિલ પસાર થયું હતું. વિધાનસભામાંથી પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. અહીંથી આ કાયદાને 12 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. આ પછી UCC ના અમલીકરણ માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમો લાગુ કરવામાં આવી. નાગરિકો અને અધિકારીઓ માટે ઓનલાઈન પોર્ટલ વિકસાવવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરીના રોજ કેબિનેટે UCC નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું અને તેને પસાર કર્યા. હરિયાણા સરકારના પરિવહન મંત્રી અનિલ વિજે ઉત્તરાખંડ સરકારના આ પગલાને પ્રશંસનીય ગણાવ્યું. તેમણે કહ્યું કે એક દેશનો એક જ કાયદો હોવો જોઇએ.