• અખિલેશ યાદવે પ્રસાદ પાંડેને વિરોધપક્ષના નેતા બનાવ્યા
  • માતા પ્રસાદ પાંડે સિદ્ધાર્થનગરના ઈટવાથી ધારાસભ્ય છે
  • વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે પ્રસાદ પાંડે

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટીએ માતા પ્રસાદ પાંડેને વિરોધપક્ષના નેતા બનાવ્યા છે. નેતાની રેસમાં તુફાની સરોજનું નામ પણ સામેલ હતું. પરંતુ અખિલેશ યાદવે વિધાનસભામાં પોતાના ઉત્તરાધિકારી તરીકે પૂર્વાંચલથી ચૂંટાઈ આવનાર બ્રાહ્મણ નેતા માતા પ્રસાદ પાંડેનું નામ જાહેર કર્યું છે.

ધારાસભ્યોની મિટીંગ બોલાવી હતી

સમાજવાદી પાર્ટીએ વિરોધપક્ષના નેતા નક્કી કરવા માટે પાર્ટીના ધારાસભ્યોની બેઠક રાખી હતી. જેમાં ધારાસભ્યોએ નેતા નક્કી કરવા માટે અખિલેશ યાદવને જવાબદારી આપી હતી. અખિલેશ યાદવએ વિધાનસભાના પૂર્વ સ્પીકર માતા પ્રસાદ પાંડેના નામની જાહેરાત કરી હતી. આ સિવાય ધારાસભ્ય મહેબૂબ અલીને પ્રમુખ, કમલ અખ્તરને મુખ્ય દંડક અને રાકેશ કુમાર ઉર્ફે આરકે વર્માને નાયબ મુખ્ય દંડક નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઈટવા સીટના ધારાસભ્ય છે માતા પ્રસાદ પાંડે

માતા પ્રસાદ પાંડે સિદ્ધાર્થનગરની ઈટવા સીટના ધારાસભ્ય છે. તેઓ ઉત્તરપ્રદેશ વિધાનસભાના બે વખત અધ્યક્ષ રહી ચુક્યા છે. નેતાઓમાં એવી ચર્ચા હતી કે પછાતવર્ગના કોઈ નેતાને આ પદ મળશે. જો કે અખિલેશ યાદવે પોતાની નજીકના ગણાતા નેતા માતા પ્રસાદ પાંડેને નેતા બનાવી દીધા છે.

અખિલેશ યાદવએ રાજીનામું આપ્યું હતું

ઉત્તરપ્રદેશની વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અખિલેશ યાદવ પોતે જ જવાબદારી નિભાવતા હતા. જેઓ મૈનપુરીની કરહલ સીટથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. જોકે 2024માં તેઓએ કન્નોજની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ દિલ્હીના રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. કરહલની વિધાનસભા સીટ પરથી તેમણે રાજીનામું આપી દીધું છે અને વિરોધપક્ષની જવાબદારીથી પણ મુક્ત થયા છે. ત્યારબાદ એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, આ પદ માટે અખિલેશ યાદવ તેમના કાકાને જવાબદારી સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે સમાજવાદી પાર્ટી આ પદ માટે પછાતવર્ગના કોઈ નેતાને સોંપી શકે છે.

  • Follow us on: