- સુલ્તાનપુરમાં લૂંટારાઓ અને પોલીસ વચ્ચે ફાયરીંગ
- જ્વેલરી શોપના ત્રણ લૂંટારાઓને ગોળી વાગતા ઈજાગ્રસ્ત
- આ લૂંટારાઓ કરોડોની લૂંટમાં હતા સામેલ
યુપીના સુલતાનપુરમાં જ્વેલરીની દુકાનમાં લૂંટના ત્રણ આરોપીઓને મંગળવારે વહેલી સવારે પોલીસ સાથે થયેલ અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણમાં એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે ત્રણ લૂંટારૂ સચિન સિંહ, પુષ્પેન્દ્ર અને ત્રિભુવનને ગોળી લાગી છે.
જ્વેલરીની દુકાનમાંથી 1.5 કરોડની લૂંટ
સુલ્તાનપુર પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય 28 ઓગસ્ટના રોજ જ્વેલરીની દુકાનમાંથી 1.5 કરોડ રૂપિયાથી વધુની લૂંટમાં સામેલ હતા. પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણેયને લગભગ 3.30 વાગ્યે ઘેરી લીધા હતા, ત્યારબાદ આરોપીઓએ ગોળીબારી શરૂ કરી હતી. પોલીસે જવાબી ગોળીબારમાં ત્રણેય ઘાયલ થયા છે. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષક સોમેન બર્માએ માહિતી આપી
પોલીસ અધિક્ષક સોમેન બર્માએ જણાવ્યું હતું કે, જવાબી ગોળીબારીમાં પગમાં ગોળી વાગતાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ રાજભરને પણ ગોળીબારીમાં પગમાં ઈજા પહોંચી છે.
5 શખ્સોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી
જ્વેલરી શોપમાં થયેલી લૂંટ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બે મોટરસાઇકલ પર સવાર પાંચ લોકો ભરતજી સોનીના શોરૂમમાં પહોંચ્યા હતા અને બંદૂકની અણીએ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આરોપી 10 મિનિટમાં દુકાનમાંથી લૂંટ ચલાવીને પ્રયાગરાજ હાઈવે તરફ ભાગી ગયા હતા. આ ઘટનાના પાંચ દિવસ બાદ ત્રણ આરોપી ઝડપાયા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
ગોળીબારીમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઈજાગ્રસ્ત
આ આખો મામલો નગર કોતવાલીની ગોડવા ચોકી પાસેનો છે, જ્યાં આજે રાત્રે પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોની હાજરીની માહિતી મળી હતી. તુરંત જ પોલીસે બદમાશોને પકડવા માટે ઘેરાબંધી કરી હતી, પરંતુ આત્મસમર્પણ કરવાને બદલે લૂંટારોએ પોલીસ પર ગોળીબારી કરી હતી, જેમાં એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
આ દરમિયાન પોલીસની જવાબી કાર્યવાહીમાં ત્રણ લૂંટારૂ સચિન સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને ત્રિભુવન ઉર્ફે લાલા હરિજન ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય બદમાશો અમેઠી જિલ્લાના રહેવાસી છે. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને ત્રણ બદમાશોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધરપકડ કરાયેલા લૂંટારૂઓ થોડા દિવસો પહેલા નગર કોતવાલીના થથેરી બજારમાં સ્થિત ભરતજી સોનીની દુકાનમાં થયેલી લૂંટમાં સામેલ હતા. હાલમાં લૂંટારૂઓ પાસેથી ઘરેણાં, રોકડ અને હથિયારો મળી આવ્યા છે.