- ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે
- આ ઘટનામાં મૃતકોની સંખ્યા 100થી વધુ
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી નંબર કરાયો જાહેર
UPના હાથરસ જિલ્લાના સિકંદરરૌ વિસ્તારમાં આયોજિત સત્સંગમાં મંગળવારે નાસભાગ મચી હતી જેમાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે મૃતકોની સંખ્યા ઘણી વધારે હોવાનું કહેવાય છે. આ ઘટનામાં મોટાભાગની મહિલાઓ અને બાળકો મૃત્યુ પામ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઇન નંબર કરાયા જાહેર
હાથરસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તર પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બનેલી દુ:ખદ દુર્ઘટનાને પગલે ઇમરજન્સી નંબરો જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને હાથરસના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય લોકોની મદદ માટે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર 05722227041 અને 05722227042 જાહેર કરાયા છે.
વરિષ્ઠ મંત્રીઓ અને DGP સાથે મુખ્ય સચિવ પણ ઘટનાસ્થળે
આ દુર્ઘટનામાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ADG આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં દુર્ઘટનાની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. CM યોગીની સૂચના બાદ સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ અને DGP સાથે મુખ્ય સચિવ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
CM યોગી આવતીકાલે ઘટનાસ્થળની મુલાકાત લેશે
હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે. CM યોગી આવતીકાલે હાથરસ જશે અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે, જ્યાં CM પીડિત પરિવારોને મળશે. મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ ત્યાં હાજર રહેશે.