- ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સામે આવી આ ઘટના
- આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે
- પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની અટકાયત કરી લીધી
તમે ઘણી વખત પ્રેમની હદ પાર કરવાની વાતો લોકોના મોઢે સાંભળી હશે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સામે આવી છે. જ્યાં એક યુવક બુરખો પહેરીને પોતાની ગર્લફ્રેન્ડને મળવા તેના જ વિસ્તારમાં પહોંચ્યો હતો.
ચહેરો જોઈને ત્યાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા
પરંતુ કમનસીબે યુવક તેની ગર્લફ્રેન્ડને મળે તે પહેલા જ બુરખાધારી યુવક જે રીતે ચાલી રહ્યો હતો, તે જોઈને વિસ્તારના લોકોને શંકા ગઈ અને લોકોએ યુવકને રોકીને તેનો ચહેરો જાહેર કર્યો તો ત્યાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા અને તેમની શંકા હકીકતમાં ફેરવાઈ ગઈ હતી. લોકોએ તેને ચાઈલ્ડ લિફ્ટર સમજીને માર માર્યો અને પોલીસને સોંપી દીધો હતો.
બુરખો પહેરેલા આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મુરાદાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જો કે વીડિયો વાયરલ થતાની સાથે જ મુરાદાબાદ પોલીસના અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' એકાઉન્ટ પર વીડિયો સંબંધિત પોસ્ટનો જવાબ આપ્યો અને માહિતી આપી કે આ ઘટના અંગે ભોજપુર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ચાલી રહી છે.
યુવક પાસેથી પિસ્તોલ આકારનું ગેસ લાઈટર મળ્યું
જ્યારે લોકોએ આ યુવકની તપાસ કરી તો તેની પાસેથી પિસ્તોલના આકારનું ગેસ લાઈટર પણ મળી આવ્યું હતું, જેના કારણે શરૂઆતમાં લોકોને તે અસલી પિસ્તોલ હોવાનું લાગ્યું પણ તેમને યુવક પાસેથી તે છીનવી લીધુ અને પોલીસને જાણ કરી દીધી, ત્યારે જાણકારી મળવાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની અટકાયત કરી લીધી હતી.
શું કહ્યું પોલીસે?
ભોજપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે માહિતી આપતા કહ્યું કે યુવક શનિવારે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે બુરખામાં આવ્યો હતો અને તેને લોકોએ પકડી લીધો હતો. માહિતી મળતાં જ આરોપીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને યુવક પાસેથી એક પિસ્તોલ આકારનું ગેસનું લાઈટર પણ મળી આવ્યું છે.