ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદમાં એક કલાક સુધી સર્વેને લઈને હોબાળો થયો હતો. બદમાશોએ વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ફાયરિંગની ઘટના પણ બની હતી. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને બદમાશોનો પીછો કર્યો. હિંસામાં 5 લોકોના મોત થયા હતા. વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. વહીવટીતંત્રે 1 ડિસેમ્બર સુધી બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
હિંસામાં 25થી વધુ પોલીસકર્મીઓ સહિત 36 લોકો ઘાયલ થયા છે. એસડીએમ અને એસઓ પણ ઘાયલ થયા છે. હિંસા અંગે એક અધિકારીએ કહ્યું કે બદમાશો દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. દીપા સરાઈ વિસ્તારમાં કેટલાક ગોળીના ટુકડા પોલીસકર્મીઓને વાગ્યા અને તેઓ ઘાયલ થયા.
સવારે જ મસ્જિદમાં સર્વે શા માટે?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે મસ્જિદના સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી મસ્જિદમાં નમાજ પઢવામાં કોઈ મુશ્કેલી ન પડે. સામાન્ય રીતે, શાહી મસ્જિદમાં નમાઝ બપોરે થાય છે. સાવચેતીના પગલા તરીકે, વહીવટીતંત્રે સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
કેવી રીતે ભડકી હિંસા?
આ ઘટના અંગે ડિવિઝનલ કમિશનરે કહ્યું કે એસપી પીઆરઓ સંજીવ કુમારને પણ પગમાં ગોળી વાગી હતી. જ્યારે SDMના પગનું હાડકું તૂટી ગયું છે. પોલીસ એરિયા ઓફિસર અનુજ કુમારને પણ ગોળી વાગી હતી. ડીએમ રાજેન્દ્ર પેસિયાના જણાવ્યા અનુસાર સર્વે ટીમ સવારે સાત વાગ્યે મસ્જિદ પહોંચી હતી. સર્વેક્ષણના પ્રથમ બે કલાક વાતાવરણ એકદમ શાંત રહ્યું હતું. સર્વેની કામગીરી સારી રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ દરમિયાન અચાનક લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને હંગામો મચાવવા લાગ્યો. પથ્થરમારો અને ગોળીબાર શરૂ થયો.
મુરાદાબાદ ડિવિઝનના કમિશનર અંજનેય કુમાર સિંહના જણાવ્યા અનુસાર, બદમાશોના બે-ત્રણ જૂથો હતા. જેમાં કેટલાક લોકો ફાયરિંગ કરી રહ્યા હતા. પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. હિંસામાં નઈમ, બિલાલ, નોમાન, કૈફ અને અયાનના મોત થયા છે. અંજનેય કુમાર સિંહે કહ્યું કે જે પણ ભીડને ઉશ્કેરશે તેને બક્ષવામાં આવશે નહીં. આરોપીઓ સામે NSA હેઠળ કેસ નોંધવામાં આવશે.
સમગ્ર મામલે 21 લોકો કસ્ટડીમાં
પોલીસ અધિક્ષક (SP) કૃષ્ણ કુમાર વિશ્નોઈએ કહ્યું કે ઘણી જગ્યાએ કથિત વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે પોલીસે ગોળીબાર કર્યો છે. જોકે, એવું નથી. જ્યાંથી હંગામો થયો હતો ત્યાંથી પોલીસે ફાયરિંગ કર્યું ન હતું. જે 21 લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમાંથી કેટલાકના ઘરેથી ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે.વાસ્તવમાં, શાહી જામા મસ્જિદને લઈને હિન્દુ પક્ષ દાવો કરી રહ્યું છે કે તે હરિહર મંદિર છે. હિન્દુ પક્ષે આ અંગે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના આદેશ પર શાહી મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ પક્ષે પણ સર્વે માટે સહમતિ દર્શાવી હતી. આ સર્વે બંને પક્ષોની હાજરીમાં હાથ ધરવામાં આવ્યો હતો.