- ઉત્તરકાશીમાં સોમવારે રાત્રે એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા
- ત્રણ પેસેન્જર વાહનો કાટમાળમાં ફસાઈ ગયા
- તમામ મુસાફરો મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. એક તરફ હિમાચલમાં નદીઓના જળસ્તર વધવાને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને મોટા પથ્થરો પડી રહ્યા છે. ઉત્તરકાશીમાં સોમવારે રાત્રે એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓના વાહનો પર સુનગર નજીક પહાડો પરથી પથ્થરો પડી ગયા હતા. જેમાં ત્રણ પેસેન્જર વાહનો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જોકે, સ્થાનિક લોકોની મદદથી મોડી રાત્રે કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ મુસાફરો મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી છે, જેઓ ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા.
મોડી રાત સુધી પથ્થરો પડતા રહ્યા હતા
ઉત્તરકાશીના ગંગોત્રી નેશનલ હાઈવે પર સોમવારે રાત્રે આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત સુધી મોટા પથ્થરો પડતા રહ્યા હતા અને બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં ચાર યાત્રાળુઓના મોત થયા છે, જ્યારે છથી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ઉત્તરકાશીમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ત્યાં સતત વરસાદ પડે છે. ઘણા લોકો પોતાના વાહનો પાર્ક કરીને હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે.
સમગ્ર ઉત્તર ભારતમાં સતત મેઘતાંડવથી ભારે તબાહી મચી છે. 7 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. અનેક રાજ્યોમાં નદીઓ ગાંડીતૂર થઈને ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે ૫૬થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે. દિલ્હીથી હિમાચલપ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીરમાં વરસાદ આકાશી આફત બનીને તૂટી પડયો છે. હિમાચલપ્રદેશનાં હાલ બેહાલ છે. ત્યાં વરસાદે અગાઉનાં તમામ રેકોર્ડ તોડયા છે. કેટલાક રસ્તાઓ અને પુલો તૂટી ગયા છે. મકાનો તણાઈ ગયા છે. જાનમાલ તેમજ માલ મિલકતને ભારે નુકસાન થયું છે. મનાલીમાં દુકાનો તણાઈ ગઈ છે જ્યારે કુલ્લુમાં કાર અને વાહનો તણાઈ ગયા છે. ખેતરો પૂરનાં પાણીથી ભરાઈ ગયા છે. ઊભો પાક ધોવાઈ ગયો છે.