ઉત્તરાખંડમાં સાયબર હુમલાને કારણે સરકારની IT સિસ્ટમ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. જેના કારણે તમામ સરકારી વિભાગોમાં કામકાજ ઠપ થયું હતું. સચિવાલયમાં પણ કોઈ કામ થઈ શક્યું નથી. આ હુમલો એટલો ગંભીર હતો કે ઉત્તરાખંડ સ્વાન (UK SWAN) જેવી સુરક્ષિત ઈન્ટરનેટ સેવાઓ જ નહીં, પરંતુ રાજ્યનું સૌથી મહત્વપૂર્ણ સ્ટેટ ડેટા સેન્ટરને પણ પ્રભાવિત થયું હતું. હુમલાને કારણે એક પછી એક સરકારી વેબસાઈટ બંધ થઈ ગઈ હતી.
વેબસાઈટને સ્કેન કરવામાં આવી રહી છે
ઉત્તરાખંડ સરકારના આઈટી સુપરવાઈઝર અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી ડેવલપમેન્ટ એજન્સીના ડાયરેક્ટર નિકિતા ખંડેલવાલે કહ્યું કે, અમે એક પછી એક વેબસાઈટને સ્કેન કરી રહ્યા છીએ. સલામતી સુનિશ્ચિત કરવા માટે અમે સેવાઓ સ્થગિત કરી હતી. શુક્રવાર સાંજ સુધીમાં તમામ વેબસાઈટ કાર્યરત થઈ જશે. જો કે, હાલ સુધી હુમલાનો પ્રકાર જાણી શકાયો નથી.
તમામ પ્રકારના સરકારી ડેટા સુરક્ષિત
ખંડેલવાલે દાવો કર્યો હતો કે, તમામ પ્રકારના સરકારી ડેટા સુરક્ષિત છે. પરંતુ હજુ સુધી હુમલા અંગે વધુ માહિતી સામે આવી નથી. ગુરુવાર સાંજ સુધીમાં નિષ્ણાતોએ યુકે સ્વાનને અસ્થાયી રૂપે પુનઃપ્રારંભ કરી દીધું હતું, પરંતુ તે લાંબા સમય સુધી કાર્યરત રહી શક્યું ન હતું.
છેલ્લા 72 કલાકમાં 186 વેબસાઇટ સંપૂર્ણપણે બંધ
ખંડેલવાલે કહ્યું કે, લોકો દિવસભર “અપની સરકાર” વેબસાઇટ પર સેવાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા રહ્યા. પરંતુ તેઓ સફળ થયા ન હતા. છેલ્લા 72 કલાકથી 186થી વધુ વેબસાઈટ સંપૂર્ણપણે બંધ છે અને સરકારની સૌથી મહત્વપૂર્ણ ઈ-ઓફિસ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. સાયબર હુમલાના કારણે સચિવાલયમાં તમામ કામકાજ ઠપ થઈ ગયા છે અને ફાઈલોના ઢગલા થઈ ગયા છે. જે જિલ્લાઓમાં ઈ-ઓફિસ સિસ્ટમ અમલમાં છે ત્યાં તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે.