- ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની એક શાળામાં બોમ્બની ધમકી મળી
- PGI વૃંદાવનમાં એમિટી નેશનલ સ્કૂલમાં બોમ્બની ધમકીનો મેઈલ આવ્યો
- ઈ-મેઈલ મળ્યા બાદ સાયબર સિક્યોરિટીની ટીમ અને ASTની તપાસ તેજ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની એક શાળામાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળી છે. આ માહિતી મળતા જ, ઉત્તરપ્રદેશની પોલીસ સક્રિય થઈ ગઈ હતી. જ્યારે DCP ઉત્તર પ્રબલ પ્રતાપ સિંહે આ મામલે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, પોલીસ સ્ટેશન PGI વૃંદાવનમાં એમિટી નેશનલ સ્કૂલ આવેલી છે, આ સ્કૂલમાં એક ઈ-મેઈલ આવ્યો હતો.
સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી એક ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી
મળતી માહિતી અનુસાર, આ સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી એક ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી હતી અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને સ્કૂલની અંદર તપાસ કરવામાં આવી હતી. સ્કૂલમાં બોમ્બ મળ્યાનો ઈ-મેઈલ આવતાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો.
સાયબર અને ATSની ટીમે તપાસ હાથ ધરી
વધુમાં, DCP સિંહે કહ્યું કે આ ઈ-મેઈલ દ્વારા આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી હોવાનું જાણવા મળ્યું છે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમિટી નેશનલ સ્કૂલને ઈ-મેઈલ મળ્યા બાદ સાયબર સિક્યોરિટીની એક ટીમ સ્કૂલમાં પહોચી છે. આ ઉપરાંત ATS અને STF દ્વારા આ કેસને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં પણ 50થી વધુ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી
દિલ્હીની 50થી વધારે સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સ્કૂલ પ્રશાસન અને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ મામલે ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડરવાની જરૂર નથી. આ ફેક કોલ લાગી રહ્યો છે.
શું કહ્યું ગૃહમંત્રાલયે ?
ગૃહમંત્રાલયે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે દિલ્હીની કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ ઈમેલ નકલી લાગે છે અને ગભરાવાની જરૂર નથી. સાથે જ જણાવ્યું કે દિલ્હી પોલીસ સુરક્ષાના ભાગરૂપે તમામ જરૂરી પગલા લઇ રહી છે.
નામચીન સ્કૂલોને મળી ધમકી
મહત્વનું છે કે દિલ્હીની 13 શાળામાં બોમ્બની ધમકી મળ્યાની વાત સામે આવી હતી તે હવે 80 સ્કૂલ સુધી પહોંચી છે. મળતી માહિતી મુજબ 80 શાળાઓમાં ધમકી મળી હતી. નામચીન સ્કૂલોને ધમકી મળતા બાળકોને ઘરે મોકલી દેવાયા હતા. પોલીસ અને પ્રશાસન તપાસમાં જોડાયુ હતું. આ વચ્ચે ગૃહમંત્રાલયે કહ્યું કે ગભરાશો નહી ફેક કોલ લાગી રહ્યો છે.