• સેટેલાઇટ દ્વારા તેનું 3D મેપિંગ કરવામાં આવ્યું હતું
  • ટીમ દીવાલોનું ૩-ડી ઇમેજિંગ, મેપિંગ અને સ્ક્રીનિંગ પણ કરી રહી છે
  • રવિવારે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી સર્વે થયો

વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ASIની ટીમ સવારે 10 વાગ્યાથી જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વેની કામગીરી શરૂ કરશે. સર્વેને લઈને સમયમાં ફેરફાર શ્રાવણના સોમવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, શ્રાવણના સોમવારે મોટી સંખ્યામાં ભક્તો બાબાના દરબારમાં આવે છે, ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ASI 2 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં અહેવાલ રજૂ કરશે

અગાઉ રવિવારે જ્ઞાનવાપીની રચનાને સંપૂર્ણ રીતે સમજવા માટે સેટેલાઇટ દ્વારા તેનું 3D મેપિંગ કરવામાં આવ્યું હતું. પૂરી જ્ઞાનવાપી ઇમારતને એક સાથે નિહાળવા માટે સેટેલાઇટની મદદથી ૩-ડી ઇમેજ તૈયાર થઇ રહી છે. ટીમ તે ઉપરાંત દીવાલોનું ૩-ડી ઇમેજિંગ, મેપિંગ અને સ્ક્રીનિંગ પણ કરી રહી છે. જ્ઞાનવાપીના ત્રણેય ડોમનો સર્વે કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી સર્વેની કામગીરી ચાલી હતી. સર્વે દરમિયાન જ્ઞાનવાપીમાં ASIના 58 લોકો, હિન્દુ પક્ષના 8 અને મુસ્લિમ પક્ષના ત્રણ લોકો હાજર હતા. કોર્ટના આદેશ મુજબ સર્વે ટીમે 2જી સપ્ટેમ્બર સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

વ્યાસ ભંડકિયાનું તાળું ખોલવામાં આવ્યું હતું

કાશીની જ્ઞાનવાપી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ચોથે દિવસે પણ સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એએસઆઇ દ્વારા રવિવારે મુસ્લિમ પક્ષ પાસેથી ચાવી મેળવીને વ્યાસ ભંડકિયાનું તાળું ખોલવામાં આવ્યું હતું. વિભાગે ત્યાં સફાઇ કરીને એક્ઝોસ્ટ ફેન લગાવ્યા બાદ સર્વેક્ષણની કામગીરી શરૂ કરી હતી. જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજ અને સંકુલનું સર્વેક્ષણ થયું હતું. સર્વેક્ષણ દરમિયાન થ્રી-ડી ફોટોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એક ચાર્ટમાં દીવાલો પર મળેલી કલાકૃતિઓના મુદ્દા નોંધવામાં આવ્યા હતા.

એક- બે દિવસમાં જીઆરપી મશીનની મદદથી સર્વેક્ષણ થશે

કાનપુર આઇઆઈટીના બે નિષ્ણાતો પણ સર્વે ટીમ સાથે જ્ઞાનવાપી સંકુલમાં આવ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે એક- બે દિવસમાં જીઆરપી મશીનની મદદથી સર્વેક્ષણ કામગીરી શરૂ થશે. 12.30ના સુમારે લંચ અને નમાજ માટે રીસેસ પડી હતી. અઢી વાગે ફરી કામગીરી શરૂ થઇ હતી. સાંજે પાંચ વાગ્યા સુધી સર્વેક્ષણ કામગીરી શરૂ રહી હતી. મુસ્લિમ પક્ષે ટૂંકસમયમાં મુખ્ય ભંડકિયાની ચાવી આપવાની વાત કહી છે.


  • Follow us on: