• ભાગેડુ વિજય માલ્યા સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર
  • 180 કરોડની લોન ન ચૂકવ્યાનો કેસ
  • મની લોન્ડ્રિંગ મામલે જાહેર છે ભાગેડુ

મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું છે. આ બિનજામીનપાત્ર વોરંટ વિજય માલ્યા સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંકની 180 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી ન કરવાના કેસ સાથે સંબંધિત છે. કોર્ટે 29 જૂને માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું હતું, પરંતુ તેનો આદેશ સોમવારે ઉપલબ્ધ થયો.

શું કહ્યું સીબીઆઇએ ?

કોર્ટે સીબીઆઈની દલીલો સાંભળ્યા બાદ અને વિજય માલ્યાના ભાગેડુ સ્ટેટસના આધારે કહ્યું કે 'આ કેસ માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવા માટે એકદમ યોગ્ય છે. જેથી કોર્ટમાં તેમની હાજરી સુનિશ્ચિત કરી શકાય. સીબીઆઈએ કોર્ટની સુનાવણી દરમિયાન કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે નાદાર એરલાઈન્સ કિંગફિશરના પ્રમોટર વિજય માલ્યાએ જાણી જોઈને સરકારી બેંકમાંથી લીધેલી 180 કરોડ રૂપિયાની લોન ચૂકવી નથી. ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યાને પહેલા જ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં તે લંડનમાં છે અને ભારત સરકાર તેને બ્રિટિશ સરકાર પાસેથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

માલ્યા સામે શું છે આરોપ ?

ચાર્જશીટમાં જણાવ્યા મુજબ વિજય માલ્યાએ 2007 થી 2012 વચ્ચે તત્કાલિન ઓપરેટીંગ કિંગફિશર એરલાઈન્સ માટે ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તપાસ એજન્સીનું કહેવું છે કે 2010માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ SBI બેંકને નિર્દેશ આપ્યો હતો કે તે ઉડ્ડયન ક્ષેત્ર માટે એકસામટી રકમ માટે કિંગફિશર એરલાઈન્સના પ્રસ્તાવ પર વિચાર કરે. જે બાદ ઇન્ડિયન ઓવરસીઝ બેંક સહિત 18 બેંકોના સંઘએ કિંગ ફિશર એરલાઇન્સ સાથે એમડીઆરએ કરાર કર્યો. આરોપ છે કે કિંગ ફિશરના પ્રમોટર વિજય માલ્યાએ બેઇમાનીના ઇરાદાથી પુનઃ ચૂકવણીની જવાબદારીઓને જાણી જોઇને પુરા ન કર્યા. આનાથી બેંકને 141.91 કરોડનું નુકસાન થયુ અને દેવાને શેરમાં બદલવાને કારણે 38.30 કરોડનું નુકસાન થયું. મહત્વનું છે કે વિજય માલ્યાએ 2016માં ભારત છોડી દીધુ અને 2019માં માલ્યા વિરુદ્ધ દેવા ન ચૂકવવા અને મની લોન્ડ્રિંગ મામલે આરોપી બનાવ્યો છે.


  • Follow us on: