• વાયનાડમાં થયેલા ભૂસ્ખલને મચાવી તબાહી
  • ઘટનાસ્થળે 1200થી વધુ બચાવકર્મીઓ તૈનાત
  • ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનથી ઘણી તબાહી થઈ હતી, જેના પરિણામે સેંકડો લોકો પ્રભાવિત થયા હતા. આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. કેન્દ્ર સરકારે ઘટનાસ્થળે 1200 થી વધુ બચાવકર્મીઓ તૈનાત કર્યા છે. આજ રોજ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ હવાઈ નિરીક્ષણ કરીને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.

વાયનાડ, કેરળમાં અવિરત વરસાદના પરિણામે 30 જુલાઈએ ભૂસ્ખલન થયું, જેણે વાયનાડ જિલ્લાના મુંડાક્કી, ચુરલમાલા, વેલ્લારીમાલા ગામોમાં વિનાશ સર્જ્યો. આ દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ગુમ થયા. પરિસ્થિતિનો તાગ મેળવતા કેન્દ્ર સરકારે તાત્કાલિક વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

ભૂસ્ખલનથી થયેલી તબાહી બાદ તુરંત જ ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી, એટલું જ નહીં, મોદી સરકારે તુરંત જ તબીબોની ટીમને તબીબી મદદ અને સારવાર માટે રાહત કાર્ય માટે મોકલી હતી. NDRF, ભારતીય આર્મી, એરફોર્સ, નેવી, ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ સહિત 1200 થી વધુ બચાવકર્મીઓ આ વિસ્તારમાં બચાવ કાર્યમાં રોકાયેલા છે.

કેન્દ્ર સરકારે ઘટના સ્થળે 100 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવી

કેન્દ્ર સરકારે ઘટના સ્થળે 100 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવી છે. ભૂસ્ખલનને કારણે રસ્તાઓ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે, જેના કારણે ભારતીય સેનાએ વાયનાડમાં બેઈલી બ્રિજ બનાવ્યો છે, તેની લંબાઈ 190 ફૂટ છે. આ પુલ પરથી ભારે મશીનરી અને એમ્બ્યુલન્સની અવરજવર સરળ બની ગઈ છે, મળતી માહિતી મુજબ આ બ્રિજ 71 કલાકમાં બનાવવામાં આવ્યો છે, જેના કારણે બચાવ કાર્ય ઝડપી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે SDRFને રકમ આપી

અત્યાર સુધીમાં NDRF રેસ્ક્યુ ટીમ દ્વારા કુલ 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, 520 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 112 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ (IMCT)ની રચના કરી છે. આ ટીમ 8-10 ઓગસ્ટ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. કેન્દ્ર સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) દ્વારા કેરળને રાહત ભંડોળ પૂરું પાડ્યું છે.

આ આપત્તિમાં મદદ કરવા માટે સરકારે 31 જુલાઈના રોજ એડવાન્સમાં 145.60 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી હતી. છેલ્લા 5 વર્ષમાં SDRFના ભાગ રૂપે કુલ 1200 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

  • Follow us on: