દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાર ગરમીની અસર વર્તાઈ રહી હતી. તેવામાં શનિવારે સાંજે સેન્ટ્રલ અને પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. વરસાદના કારણે તાપમાનનો પારો નીચો આવતાં ગરમીનું પ્રમાણ ઓછુ થયું હતું. હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી એનસીઆરમાં ગત 10 અને 11 એપ્રિલે આંધી આવી હતી. કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યાર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60 કિ.મી પ્રતિ કલાકની હતી. જેના કારણે અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતાં. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું
દિલ્હીમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે અનેક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રોડ પરથી પસાર થનારા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી. દિલ્હીમાં વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંત્રી પ્રવેશ વર્મા સાથે રાજધાનીમા જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે તે ક્ષેત્રોની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાણી ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે મિંટો બ્રિજ પર ઓટોમેટિક પંપ લગાવાયા છે અને અઢી કિ.મી લાંબી પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે. જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે.
બિહાર અને ભુવનેશ્વરમાં પણ ભારે વરસાદ વરસ્યો
બીજી તરફ બિહારમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભુવનેશ્વરમાં પણ ભારે વરસાદને કારણે જયદેવ વિહાર વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વરસાદને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઉત્તર પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.