- ક્યાંક વરસાદથી રાહત તો ક્યાંક ગરમી કાળઝાળ
- દિલ્હી, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીથી રાહત નહી
- આગામી 3 દિવસ હિટવેવની સંભાવના
દેશમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટવેવ જોવા મળી રહી છે. કેરળમાં ચોમાસુ પહોંચ્યુ છે જ્યારે આસામ અને મિઝોરમમાં રેમલ વાવાઝોડાને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. તેવામાં ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં શેકાઇ રહ્યુ છે ત્યારે શુ ગરમીથી રાહત હવે મળશે કે કેમ તેને લઇને હવામા વિભાગ શું કહે છે આવો જાણીએ.
3 દિવસ ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, હરિયાણા, જમ્મુ, હિમાચલ અને છત્તીસગઢમાં તીવ્ર ગરમીની સંભાવના છે. આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોને ઘરે રહેવાની સલાહ આપી છે. ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના ઘણા ભાગોમાં તોફાન અને વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. બીજી તરફ રાજ્યના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ વચ્ચે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગરમી ફરી વધશે
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને હળવા ઝરમર વરસાદથી લોકોને રાહત મળી છે. હવે ફરીથી ગરમી તેના ઉગ્ર સ્વરૂપમાં આવશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. સોમવારથી એટલે કે આજથી ગરમી ફરી જોર પકડશે, તાપમાનમાં વધારો થશે. બુધવારે દિલ્હીમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવ રહેશે.
આ રાજ્યોમાં પણ ગરમીનો કહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશના મોટા ભાગના સ્થળોએ હજુ પણ તાપમાન 43 ડિગ્રી અથવા તેનાથી વધુ છે. આ સ્થળોએ જ્યાં દિવસ દરમિયાન તાપમાન વધુ રહે છે ત્યાં લોકોને ગરમ પવનોનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ રાત્રે ઠંડા પવનોને કારણે રાહત થઈ છે. બીજી તરફ આજે ઝારખંડના ઉત્તર-પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ક્યારે આવશે વરસાદ ?
બિહારના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજધાની પટના સહિત અનેક વિસ્તારોમાં હવામાન ખુશનુમા રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. કેરળમાં ચોમાસું આવી ગયું છે. ચોમાસું 27 જૂન સુધીમાં દિલ્હીમાં આવવાની સંભાવના છે. જ્યારે જુલાઈની શરૂઆતમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે, ત્યારબાદ લોકોને આકરી ગરમીથી રાહત મળશે.