માર્ચ મહિનાનો એક અઠવાડિયું પસાર થવા જઈ રહ્યું છે અને દેશભરમાં હવામાનના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ, જોરદાર પવનો ઠંડીમાં વધારો કરી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ, તાપમાન રેકોર્ડબ્રેક વધી રહ્યું છે. હજુ પણ પર્વતો પર હિમવર્ષા થવાની શક્યતા છે. ત્યારે આવો જાણીએ દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણની અસર વિશે..
ક્યાં પડશે વરસાદ?
હવામાન વિશેની આગાહી કરનાર એજન્સી સ્કાયમેટ અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ચાલુ રહેશે, ત્યારબાદ પવનની ગતિ ઓછી થશે. જ્યારે પૂર્વી આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે. લક્ષદ્વીપ અને કેરળમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે અને રાજસ્થાન અને ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
દિલ્હીમાં કેવુ રહેશે હવામાન ?
તેજ હવાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી દિલ્હીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયુ છે. આજે દિલ્હીના હવામાનની વાત કરીએ તો, દિલ્હીમાં આજે પણ ભારે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. પરંતુ ઠંડા પવનોને કારણે તાપમાન ઓછું અનુભવાઈ રહ્યું છે અને શિયાળાનો અહેસાસ વધી રહ્યો છે.
મુંબઈમાં ગરમીની શક્યતા
બીજી તરફ, દેશની આર્થિક રાજધાની મુંબઈ ગરમી સામે ઝઝૂમી રહી છે. સ્કાયમેટ મુજબ 8 માર્ચે એક પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં પહોંચવાની શક્યતા છે, જે સામાન્ય પવન પ્રવાહને બદલી નાખશે. કોંકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચતા ચક્રવાતી વિરોધી પવનોનો પ્રવાહ ખોરવાઈ જશે. આ અસ્તવ્યસ્ત પવનોને કારણે, 8 થી 11 માર્ચ દરમિયાન દિવસનું તાપમાન 37°C થી ઉપર પહોંચી શકે છે. આ અચાનક વધારાને કારણે, મુંબઈ અને ઉપનગરોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
પર્વતોમાં ફરી બરફવર્ષા શરૂ થશે
9 થી 12 માર્ચની વચ્ચે પર્વતોમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ ફરીથી સક્રિય થશે. પરિણામે હિમવર્ષાનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે. અગાઉ ભારે હિમવર્ષા અને આ આગામી હિમવર્ષાને કારણે, પર્વતોમાં શીત લહેર ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે તાજી હિમવર્ષાથી ખેડૂતોને રાહત મળી છે પરંતુ ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.