- દિલ્હી-NCRમાં વાતાવરણમાં આવ્યો પલટો
- ગુજરાત-રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ ખાબક્શે
- ધોધમાર વરસાદને લઇ IMDએ જાહેર કર્યું એલર્ટ
ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ, આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત-રાજસ્થાન સહિતના રાજ્યોમાં મેઘમંડાણ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદે મચાવ્યો કહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં મુશળધાર વરસાદ પડી શકે છે. IMD અનુસાર, 15 જુલાઈ પછી અહીં ચોમાસું મજબૂત થશે. હવામાન વિભાગે શનિવારે કહ્યું કે પૂર્વી ઉત્તર પ્રદેશમાં શ્રાવસ્તી, બસ્તી, કુશીનગર, બહરાઈચ, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, દેવરિયા, ગોંડા, બલરામપુર, ગોરખપુર, સંત કબીર નગરમાં ભારે વરસાદ થઈ શકે છે.