- દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં 19 મેના રોજ સારો વરસાદ પડશે
- પંજાબ, રાજસ્થાન, હરિયાણા, યુપી, એમપી અને દિલ્હીમાં હીટવેવ રહેશે
- 20મીએ કર્ણાટક, છત્તીસગઢ તેલંગાણા, બિહાર, પ.બંગાળમાં વીજળી પડવાની સંભાવના
સમગ્ર દેશમાં હવે ગરમીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. IMD એ આગામી 5 દિવસ માટે દિલ્હી, રાજસ્થાન, પંજાબ, UP, MP, બિહાર, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં તાપમાન પણ સતત વધી રહ્યું છે. શુક્રવારે પણ મોટાભાગના રાજ્યોમાં તાપમાન 43 થી 46 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. યુપીના આગ્રામાં પારો 46.9 ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે અહીં આવતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ક્યાં અનુભવાશે કાળઝાળ ગરમી
હવામાન વિભાગે પૂર્વ ભારતમાં આસામ, ઝારખંડ, ત્રિપુરા અને ઓડિશામાં આજે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. તે જ સમયે, દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ભારે વરસાદ પડશે. કર્ણાટકમાં બે દિવસ પછી ભારે વરસાદ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં 19 મેના રોજ સારો વરસાદ પડશે. માહિતી અનુસાર 19મીએ પણ તમિલનાડુ, પુડુચેરી, બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, કર્ણાટક, આસામ અને મેઘાલયમાં વરસાદ પડશે.
19મીએ ક્યાં અનુભવાશે હીટવેવ
જ્યારે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, યુપી, એમપી અને દિલ્હીમાં હીટવેવ રહેશે. ઓડિશામાં પણ આકરી ગરમી પડશે. પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનમાં ભારે હીટવેવ રહેશે.
આ રાજ્યોમાં 20 મેના રોજ વરસાદ આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 મેના રોજ કર્ણાટક, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની સંભાવના છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંદામાન નિકોબાર અને આસામમાં ભારે વરસાદ પડશે.