• પશ્ચિમ બંગાળમાં NIAના અધિકારીઓ પર હુમલો
  • હુમલામાં NIAના 2 અધિકારીઓ થયા ઘાયલ
  • 2022ના બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન બની ઘટના

પશ્ચિમ બંગાળના પૂર્વ TMC નેતા શાહજહાં શેખના ઘરની તપાસ કરવા આવેલા ED અધિકારીઓ પરના હુમલાને હજુ થોડા મહિના જ થયા હતા. હવે રાજ્યમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ પર ફરી હુમલો થયો છે. આ વખતે ભૂપતિનગરમાં તપાસ કરવા આવેલા NIAના અધિકારીઓ પર હુમલો થયો છે. જેમાં બે અધિકારીઓ ઘાયલ થયા છે.

છેલ્લા 2 મહિનામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર હુમલા

કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર હુમલાને લઈને પશ્ચિમ બંગાળ ફરી ચર્ચામાં છે. EDના અધિકારીઓ પર હુમલા બાદ હવે બંગાળમાં NIAના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરના ભૂપતિનગરમાં 2022ના બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરવા ગયેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કેન્દ્રીય તપાસ એજન્સીના 2 અધિકારીઓ ઘાયલ થયા છે. NIA ટીમની સાથે કેન્દ્રીય દળોને પણ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે ચૂંટણી પંચે રાજ્ય પ્રશાસન પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે, જ્યારે NIAએ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે.


ED અધિકારીઓ પર પણ કર્યો હતો હુમલો

અગાઉ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં પૂર્વ TMC નેતા શાહજહાં શેખના ઘરની તપાસ કરવા આવેલા ED અધિકારીઓ પર તેમના સમર્થકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ ED અધિકારીનું માથું ફાટી ગયું હતું. ત્રણેય અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ED અધિકારીઓ પર હુમલા દરમિયાન તેમની સાથે રહેલા સેન્ટ્રલ ફોર્સના જવાનોને પણ જીવ બચાવવા ભાગવાની ફરજ પડી હતી.

કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર હુમલો

છેલ્લા 2 મહિનામાં બંગાળમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર હુમલાનો આ બીજો કિસ્સો છે. આ હુમલામાં કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ ઘાયલ થયા છે અને TMC સમર્થકોએ તેમની સામે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું છે.

  • Follow us on: