મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી કેબિનેટની બેઠકમાં એક દેશની ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે જો આ પ્રસ્તાવને કાયદાના રૂપમાં લાગુ કરવામાં આવે તો 2029થી દેશભરમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે.


દેશમાં લોકસભા અને વિધાનસભાની એકસાથે યોજાઈ ચૂકી છે ચૂંટણી

કેન્દ્રએ લોકસભા ચૂંટણી 2024 પહેલા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના માર્ગે એક મોટું પગલું ભર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણીઓ પર તૈયાર કરાયેલ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને સોંપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 2029માં દેશમાં એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે.પરંતુ ‘એક દેશ, એક ચૂંટણી’ એ નવો વિચાર નથી. અગાઉ પણ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ ચૂકી છે.

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે 2018માં એક કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પૂછ્યું હતું કે શું દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે? ત્યારબાદ તેમને આ મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. આ દરમિયાન તેમને 'એક દેશ, એક ચૂંટણી' પર તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય માંગ્યો હતો. લોકસભા ચૂંટણી 2019 પહેલા જ ચૂંટણી પંચે કહ્યું હતું કે આ વખતે દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી. પંચે કહ્યું કે આ માટે સરકારે ઘણી કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે. પછી કોરોના રોગચાળા દરમિયાન, આ મુદ્દો સંપૂર્ણપણે ઠંડો પડી ગયો. હવે કેન્દ્રએ આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

દેશમાં એક સાથે 4 વખત ચૂંટણી થઈ છે

દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક-બે વાર નહીં, ચાર વખત થઈ છે. આઝાદી પછી, 1951 થી 1967 સુધી દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. આ પછી, 1957, 1962 અને 1967 માં પણ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ. પરંતુ આ પછી દેશમાં ક્યારેય એક સાથે ચૂંટણી થઈ શકી નથી.

ત્યારબાદ થયો આ ફેરફાર

1967માં દેશમાં ચાર વખત એક સાથે ચૂંટણી યોજાયા બાદ આમાં ફેરફાર થયો. વાસ્તવમાં આ વર્ષે યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી ન હતી. તે સમયે યુપીમાં વિધાનસભાની 423 બેઠકો હતી. કોંગ્રેસ આમાંથી માત્ર 198 બેઠકો જીતી શકી હતી. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 212 ધારાસભ્યોની જરૂર હતી. ચૂંટણીમાં ભારતીય જનસંઘ પાર્ટી 97 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. કોંગ્રેસે 37 અપક્ષ ધારાસભ્યો અને કેટલાક અન્ય પક્ષોના સમર્થનથી સરકાર બનાવી. ત્યારબાદ સીપી ગુપ્તા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

અન્ય રાજ્યોમાં પણ શરુ થયો ટ્રેન્ડ

ચૌધરી ચરણ સિંહના બળવાખોર વલણને કારણે સીપી ગુપ્તાની સરકાર એક મહિનામાં પડી ગઈ. ત્યારબાદ ચૌધરી ચરણ સિંહે ભારતીય જન સંઘ પાર્ટી અને સંયુક્ત સમાજવાદી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી. પરંતુ ગઠબંધનમાં આંતરિક મતભેદોને કારણે આ સરકાર લાંબો સમય ટકી શકી નથી. ચૌધરી ચરણ સિંહે માત્ર એક વર્ષ પછી રાજીનામું આપી દીધું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી. ધીરે ધીરે આ જ ટ્રેન્ડ બીજા ઘણા રાજ્યોમાં પણ શરૂ થયો.

ઈન્દિરાએ સમય પહેલા ચૂંટણી કેમ કરાવી?

1967માં દેશમાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. નિયમો મુજબ આગામી સામાન્ય ચૂંટણી 1972માં યોજાવાની હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણે દેશમાં તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ. આવી પરિસ્થિતિમાં ઈન્દિરા ગાંધીએ 1971માં સમય પહેલા સામાન્ય ચૂંટણીઓ કરાવી હતી. આ રીતે એક દેશ, એક ચૂંટણીની ચાલી રહેલી વ્યવસ્થા તૂટી ગઈ. આ સિવાય ઘણા રાજ્યોમાં સરકારો પડી જવાને કારણે વિધાનસભાની બેઠકો થતી રહી અને વ્યવસ્થાનો ક્રમ તૂટતો રહ્યો.

વાજપેયીના જમાનામાં ફરી ચર્ચા તેજ થઈ

1967માં છેલ્લી એક સાથે ચૂંટણીના એક દાયકા પછી, 1983માં ચૂંટણી પંચે ફરીથી એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ પંચે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તત્કાલીન સરકારે તેની વિરુદ્ધ નિર્ણય લીધો હતો. આ પછી, અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા પછી, એક સાથે ચૂંટણી યોજવાની ચર્ચા ફરી તેજ થઈ. કાયદા પંચે 1999માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. ભાજપે 2014ની લોકસભા ચૂંટણી માટેના તેના પત્રમાં કહ્યું હતું કે તે રાજ્ય સરકારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરશે.

આ વિચાર પર ફરી વિચારવાનું થયું શરૂ

કાયદા અને ન્યાય પરની સંસદીય સમિતિએ 2015માં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની ભલામણ કરી હતી. ત્યારથી સમય સમય પર તેની ચર્ચા થતી રહી, પરંતુ સરકાર કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી શકી ન હતી. ત્યારબાદ કાયદા પંચે 2018માં આ અંગે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. લો કમિશનના રિપોર્ટમાં એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે કે દેશમાં બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. તેમને એમ પણ કહ્યું કે એકસાથે ચૂંટણી કરાવવા માટે ઓછામાં ઓછી 5 બંધારણીય ભલામણોની જરૂર પડશે, જેના પછી પીએમ નરેન્દ્ર મોદીએ આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું.

  • Follow us on: