- જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર
- અધિર રંજન ચૌધરી દ્વારા આ બંને નામનો કરવામાં આવ્યો હતો દાવો
- આજે વિધિવત રીતે સંભાળ્યો ચાર્જ
જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ શુક્રવારે ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે બંનેનું સ્વાગત કર્યું. અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પસંદગી પેનલે ગઈકાલે બંનેને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે આવો જાણીએ કોણ છે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ.
કોણ છે જ્ઞાનેશ કુમાર?
જ્ઞાનેશ કુમાર 1988 બેચના IAS અધિકારી છે. તેઓ 31 જાન્યુઆરી 2024ના રોજ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના ભૂતપૂર્વ IAS અધિકારીરી છે. જ્ઞાનેશ કુમારને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. તેઓ સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં સચિવ પણ રહી ચૂક્યા છે. એક અહેવાલ અનુસાર, ગૃહ મંત્રાલયમાં રહીને જ્ઞાનેશ કુમારે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે કલમ 370 દૂર કરવામાં આવી ત્યારે તેઓ ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર ડેસ્કના પ્રભારી હતા. આ પહેલા પીએમ મોદીની અધ્યક્ષતાવાળી પેનલમાં સામેલ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુને ચૂંટણી કમિશનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
1988 બેચના IAS અધિકારી
ઉલ્લેખનીય છે કે જ્ઞાનેશ કુમાર થોડા દિવસો પહેલા જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા છે. તેમણે મંત્રાલયની રચનાના સમયથી અત્યાર સુધી કામ કર્યું છે. સહકાર મંત્રાલય ગૃહમંત્રી અમિત શાહ હેઠળ આવે છે. અગાઉ જ્ઞાનેશ કુમાર ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા, તેમના સમયમાં જ કલમ 370 હટાવવામાં આવી હતી. જ્ઞાનેશ કુમારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ગૃહમંત્રાલયમાં જ્ઞાનેશને બઢતી મળતા તેઓ એડિશનલ સેક્રેટરી પણ બન્યા હતા. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે.
કોણ છે સુખબીર સિંહ સંધુ?
1963માં જન્મેલા સુખબીર સિંહ 1988 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તે ઉત્તરાખંડ કેડરના અધિકારી છે. સુખબીર સિંહ ઉત્તરાખંડના મુખ્ય સચિવ હતા. આ સિવાય તેઓ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક સચિવ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધ્યક્ષ જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. સુખબીર સિંહ સંધુએ અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. તેણે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાંથી ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંધુ પાસે કાયદાની ડિગ્રી પણ છે.