રેસલિંગ એસોસિએશનમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પીડિતાને સુનાવણી દરમિયાન હાજર ન રહેવા માટે સમન્સ પાઠવ્યા છે અને 14 નવેમ્બર સુધીમાં કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પીડિતાને અગાઉ પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
14 નવેમ્બર સુધીમાં નિવેદન નોંધવા આદેશ
પીડિતાના વકીલે કોર્ટને કહ્યું કે, તે હાલ દેશમાં નથી, તેથી અહીં આવી શકે તેમ નથી. તે આવતા મહિને ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દેશની બહાર છે અને આગામી બે મહિના માટે બહાર રહેશે. આના પર દિલ્હી પોલીસે કોર્ટમાં તેને સમન્સ પાઠવીને અપીલ કરી હતી. પોલીસની માગને સ્વીકારતા કોર્ટે પીડિતાને 14 નવેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ તેનું નિવેદન નોંધવા આદેશ આપ્યો છે.
બ્રિજભૂષણના વકીલનો વિરોધ
કોર્ટમાં સુનાવણી દરમિયાન બ્રિજ ભૂષણના વકીલે વિરોધ કર્યો હતો કે, જે પણ મહિલા કુસ્તીબાજો આરોપો લગાવી રહી છે તેમણે બ્રિજભૂષણ સિંહની સામે જ કોર્ટમાં પોતાનું નિવેદન આપવું જોઈએ. જો આમ ન થાય તો તેના વકીલ સમક્ષ નિવેદન નોંધવું જોઈએ. કોર્ટે રેસલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને પાસપોર્ટ રિન્યૂ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટની પરવાનગી મળ્યા બાદ સિંહ હવે પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશે.
નવા વકીલની નિમણૂક
કોર્ટે આ મામલામાં આગામી સુનાવણી માટે 14 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. આજે જ આ કેસમાં પીડિત બે કુસ્તીબાજોએ તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે એક નવા વકીલની નિમણૂક કરી છે. આ કેસમાં કોર્ટે 10 મેના રોજ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો ઘડ્યા હતા. કોર્ટમાં આરોપો ઘડતી વખતે કહેવામાં આવ્યું હતું કે, તેને IPC કલમ 354A એટલે કે જાતીય સતામણી અને કલમ 354 એટલે કે મહિલાનું અપમાન કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે નોંધ્યો હતો કેસ
રેસલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર ઓલિમ્પિક રેસલર વિનેશ ફોગટ, સાક્ષી મલિક સહિત છ કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.