જ્યોતિ મલ્હોત્રા, નવાંકુર ચૌધરી, પ્રિયંકા સેનાપતિ સહિત બીજા 10 લોકોએ ભારત સાથે ગદ્દારી કરી પાડોશી દેશને મદદ કરી છે. "ઓપરેશન સિંદૂર" બાદ 10 જાસૂસ પકડવામાં આવ્યા છે. જે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી આપી રહ્યા હતા. જેમાં હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના લોકો સામેલ છે.
આ લોકો પર લાગ્યો દેશ સાથે ગદ્દારી કરવાનો આરોપ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાના સંબંધો વણસ્યા હતા. અને ભારતે હવાઇ હુમલાઓ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન ગુપ્તચર એજન્સીઓ સતર્ક હતી. "ઓપરેશન સિંદૂર" બાદ 10 જાસૂસ પકડવામાં આવ્યા છે. જેમનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે.
પંજાબથી પકડાયેલા ગઝાલા અને યમીન મોહમ્મદની ગદ્દારી
સૌથી પહેલા પંજાબમાંથી બે જાસૂસ ગઝાલા અને યમીન મોહમ્મદની ધરપકડ કરાઇ હતી. પંજાબની મલેરકોટલા પોલીસે જાસૂસોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરનાર દાનિશ તેમને સતત મળતો હતો. અને વીઝાની પ્રક્રિયા પર ધ્યાન આપતો હતો.
હરિયાણામાંથી નોમાન ઇલાહી પકડાયો
પંજાબ પોલીસે 14 મેના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરનાર નોમાન ઇલાહીની ધરપકડ કરી છે. નોમાન સાથે પોલીસની પૂછપરછ યથાવત્ છે. તેના પર આરોપ છે કે તેણે પાકિસ્તાનના કેટલા એજન્ટ સાથે સંપર્ક રાખ્યો હતો. અને સતત માહિતીની આપ-લે કરતો હતો. નોમાન કૈરાના ગામનો રહેવાસી છે. અને પાનીપતમાં સુરક્ષાગાર્ડ તરીકે નોકરી કરતો હતો.
જાસૂસ દેવિન્દર સિંહ ધિલ્લોનની કૈથલમાંથી ધરપકડ
પાકિસ્તાનના સહયોગી દેવિન્દર સિંહ ધિલ્લોનની પણ હરિયાણાના કૈથલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેણે ભારતના લશ્કરી ઓપરેશન સિંદૂર અને લશ્કરની પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી પાકિસ્તાનને પૂરી પાડી હતી. આરોપીએ કબૂલ્યું કે તે કોરિડોર દ્વારા પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર સાહિબ, નનકાના સાહિબ, લાહોર અને પંજા સાહિબ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ગયો હતો. આ સમય દરમિયાન તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના સંપર્કમાં આવ્યો.
જાસૂસીના આરોપસર યુટ્યુબર જ્યોતિની ધરપકડ
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણાની હિસાર પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી, જેમને ભારત સરકારે 13 મેના રોજ દેશ છોડી દેવાનું કહ્યું હતું. ટ્રાવેલ બ્લોગર જ્યોતિ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરી રહી હતી. તેણીએ 2023માં પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. 2023થી, તેણી ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે. જ્યોતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનને લગતા ઘણા વીડિયો પણ શેર કર્યા છે. તે પાકિસ્તાનમાં દાનિશને મળી, ત્યારબાદ તે સતત દાનિશના સંપર્કમાં હતી. જ્યોતિની પાંચ દિવસના રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યોતિ સતત પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતી.
પાકિસ્તાની જાસૂસ અરમાનની નૂહમાંથી ધરપકડ
પાકિસ્તાન માટે જાસૂસી કરનારા અરમાનની નગીના પોલીસ સ્ટેશન હેઠળના રાજાકા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે તે વોટ્સએપ દ્વારા દેશની લશ્કરી પ્રવૃત્તિઓ વિશેની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસે તેમની સામે રાજદ્રોહ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પણ પૂછપરછ
પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પણ તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. ખરેખર, સપ્ટેમ્બર 2024 માં, જ્યોતિ મલ્હોત્રા પુરી ગયા હતા. આ સમય દરમિયાન તે પ્રિયંકા સાથે મળી. હવે એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું પ્રિયંકા જ્યોતિની ગતિવિધિઓથી વાકેફ હતી કે પછી તે કંઈક શેર કરી રહી હતી.
તપાસની સોય નવંકુર ચૌધરી તરફ વળી
યુટ્યુબર નવંકુર ચૌધરી પર પણ પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
યુપીના રામપુરથી શહઝાદની ધરપકડ
ઉત્તર પ્રદેશના રામપુરના એક વેપારી શહજાદની રવિવારે મુરાદાબાદથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એસટીએફએ જણાવ્યું હતું કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતી તેના માસ્ટર્સને આપી હતી. તે ઘણી વખત પાકિસ્તાન ગયો હતો અને કથિત રીતે કપડાં અને મસાલાઓની દાણચોરીમાં સામેલ હતો.
મોહમ્મદ મુર્તઝા અલીની જલંધરમાંથી ધરપકડ
ગુજરાત પોલીસે જાલંધરમાં દરોડા દરમિયાન મોહમ્મદ મુર્તઝા અલીની ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતો હોવાની ગુપ્ત માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ચાર મોબાઈલ ફોન અને ત્રણ સીમ કાર્ડ મળી આવ્યા છે.













