IPLના ભૂતપૂર્વ ચેરમેન અને ભારતમાંથી ભાગેડુ લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે તેના સંબંધોને કારણે નહીં, પરંતુ તેની નાગરિકતાને કારણે સમાચારમાં છે. તેમણે સમુદ્રી દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેમણે લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવા માટે અરજી સુપરત કરી છે. વનુઆતુની ખાસિયત શું છે. જ્યાં લલિત મોદીએ નાગરિકતા લીધી છે.
લલિત મોદીએ વનુઆતુનું નાગરિકત્વ કેમ લીધું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે હાઇ કમિશનને અરજી કરી છે. તેમણે કહ્યું, "લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી આપી છે. નિયમો મુજબ તેની તપાસ કરવામાં આવશે. અમને એ પણ જાણવા મળ્યું છે કે તેમણે વનુઆતુ નાગરિકતા લીધી છે. તેમની સામે ચાલી રહેલા કેસ કાયદા મુજબ ચાલુ રહેશે." વનુઆતુમાં ત્રણ લાખની વસ્તી છે, અને અહીં ગોલ્ડન પાસપોર્ટ યોજના કાર્યરત છે, જેના દ્વારા ધનિક લોકો પૈસા ચૂકવીને સરળતાથી નાગરિકતા મેળવી શકે છે. તેની કિંમત 1.3 કરોડ રૂપિયા છે. રસપ્રદ વાત એ છે કે, તેમાં વધારે દસ્તાવેજોની જરૂર નથી અને તે ઓનલાઈન સબમિટ કરી શકાય છે. આ પ્રક્રિયામાં એક મહિના કરતા પણ ઓછો સમય લાગે છે, અને તમે દેશમાં પગ મૂકતા પહેલા જ બધું કામ થઈ જાય છે.
વનુઆતુ ક્યાં આવેલું છે?
વાનુઆતુ નાગરિકતા લેવાનો એક મોટો ફાયદો એ છે કે આ દેશના પાસપોર્ટથી, 120 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. જેમાં બ્રિટન અને યુરોપિયન દેશોનો પણ સમાવેશ થાય છે. બીજી રસપ્રદ વાત એ છે કે વનુઆતુ એક ટેક્સ હેવન છે. જ્યાં તમારે કોઈ આવક, મિલકત કે કોઈપણ પ્રકારનો કોર્પોરેટ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. છેલ્લા બે વર્ષમાં, 30 શ્રીમંત ભારતીયોએ અહીં નાગરિકતા મેળવી છે, અને અહીં નાગરિકતા લેવામાં ચીની લોકો સૌથી આગળ છે. વનુઆતુ પ્રજાસત્તાક દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે. આ દ્વીપસમૂહ જ્વાળામુખી મૂળનો છે અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાથી લગભગ 1,750 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. વધુમાં, વનુઆતુ ન્યુ કેલેડોનિયાથી 500 કિલોમીટર ઉત્તરપૂર્વમાં, ફીજીની પશ્ચિમમાં અને ન્યુ ગિનીના દક્ષિણપૂર્વમાં, સોલોમન ટાપુઓ નજીક આવેલું છે. આ દેશ ખાસ કરીને તેની કુદરતી સુંદરતા, વન્યજીવન અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે.
લલિત મોદી 2010માં બ્રિટન ફરાર થયો હતો
IPL શરૂ કરનાર લલિત મોદી 15 વર્ષ પહેલા ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. ભારત સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, અને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે, પરંતુ હવે તેણે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે, અને જે દેશનું નાગરિકત્વ તેણે લીધું છે તે વનુઆતુની વસ્તી પુડુચેરી કરતા ઓછી છે, જેના કારણે કેસમાં નવો વળાંક આવ્યો છે. જોકે, તેઓ તેમના પર લાગેલા મની લોન્ડરિંગ અને કરચોરીના તમામ આરોપોને નકારે છે.