ભારતમાં પ્રીમિયમ ફોન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં Apple iPhoneનું વધી રહેલું વેચાણ આનો પુરાવો છે. આવી સ્થિતિમાં એપલને ટક્કર આપવા માટે ગૂગલે પણ એક પ્લાન બનાવ્યો છે. જે રીતે Appleએ ભારતમાં તેના રિટેલ સ્ટોર્સ ખોલ્યા છે, તેવી જ રીતે Google પણ ભારતમાં તેના સ્ટોર્સ ખોલવા જઈ રહ્યું છે. એપલે વર્ષ 2023માં ભારતમાં તેના 2 સ્ટોર ખોલ્યા હતા. આ પ્રસંગે એપલના સીઈઓ ટિમ કૂક પોતે ભારત આવ્યા હતા. કંપનીનો પહેલો સ્ટોર મુંબઈમાં અને બીજો સ્ટોર દિલ્હીમાં ખોલવામાં આવ્યો છે.
ગૂગલ 6 મહિનામાં સ્ટોર ખોલશે
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ 6 મહિનામાં એકસાથે ભારતમાં પોતાના સ્ટોર્સ ખોલી શકે છે. કંપની હાલમાં તેમના માટે વધુ સારી જગ્યા શોધી રહી છે. ગૂગલ માટે ભારત ટોચની પ્રાથમિકતાનું બજાર છે. ભારતમાં તેના બિઝનેસને વિસ્તારવા માટે ગૂગલે 10 અબજ ડોલરના રોકાણની યોજના બનાવી છે. રોઇટર્સના એક સમાચાર અનુસાર, Google Pixel ઉપકરણોની સાથે, અન્ય ઉત્પાદનો પણ આ Google સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.
ભારતમાં રીટેલ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી
ભારતમાં, Google ઉત્પાદનો હાલમાં ઓનલાઈન અને કેટલીક રિટેલ ચેઈન પર ઉપલબ્ધ છે. પરંતુ દેશમાં ગૂગલનો એક પણ ઓફિશિયલ સ્ટોર નથી. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ દેશમાં તેના રિટેલ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી છે. Google Pixel ફોન ઉપરાંત, Google Watch, Google Earbuds અને Google Home શ્રેણીના ઉત્પાદનો પણ આ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. ગૂગલ પણ તેના સ્ટોર્સ સૌથી પહેલા મુંબઈ અને દિલ્હીમાં ખોલશે. દરેક સ્ટોર અંદાજે 15,000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો હશે.
Appleના અમેરિકામાં 5 સ્ટોર
ગૂગલ પાસે હાલમાં સમગ્ર અમેરિકામાં લગભગ 5 સ્ટોર્સ છે. જ્યારે એપલ આ મામલે ઘણી આગળ છે. એપલના અમેરિકામાં ઘણા સ્ટોર્સ છે. અહીં કંપની પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચે છે. ત્યારે હવે ગૂગલ ભારતમાં આવનાર 6 મહિનામાં એકસાથે સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાએ સ્ટોર્સ ખોલી પોતાનું ખાતું ખોલશે.