જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ. વાદળ ફાટવાના કારણે અનેક જિલ્લાઓમાં ઘર પડી ગયા તો કેટલાક જગ્યાઓ પર ગાડીઓ ફસાઈ ગઈ. અગાઉ ઉત્તરાખંડમાં વાદળ ફાટતા મોટી તબાહી જોવા મળી હતી. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા આખેઆખ ગામ ડૂબી ગયા તો કેટલાક સ્થાનો નકશા પરથી જ ગાયબ થઈ ગયા. કેમ ભારતના ઉત્તરભાગમાં આ વાદળ ફાટવાની ઘટના જોવા મળે છે. જાણો કેવી રીતે સર્જાય છે કુદરતનો મહાપ્રકોપ.
વાદળ ફાટવાનો સામાન્ય અર્થ સમજીએ તો અચાનક ભારે વરસાદ થવો અને આકાશમાંથી અવરિત પાણીનો ધોધ સતત વહેતો રહેવો એવો થાય. વાદળ ફાટવાને બીજા શબ્દોમાં કુદરતનો પ્રકોપ માનવામાં આવે છે. આકાશમાં વાદળ ફાટયા હોય અને ત્યાંથી ટૂંકાગાળામાં મુશળધાર વરસાદની જેમ પાણી વરસવા લાગે અને તેને રોકવુ અશક્ય થઈ જાય. વાદળ ફાટવાની ઘટનામાં, વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા અનેકગણું વધારે હોય છે. વાદળ ફાટતા પૂર અને ભૂસ્ખલન જેવી અન્ય કુદરતી આફતોનું જોખમ પણ અનેકગણું વધી જાય છે. દેશના ઉત્તરીય ભાગોમાં અનેક વખત વાદળ ફાટવાની દુર્ઘટના જોવા મળે છે.
વાદળ ફાટવાનો અર્થ શું છે?
વાદળ ફાટવાની ઘટનાને સામાન્ય રીતે એક કલાકમાં 100 મીમી (10 સે.મી.) થી વધુ વરસાદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે નાના વિસ્તારમાં થાય છે. આ વ્યાખ્યા મુજબ, જો 20 થી 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ પડે છે, તો તેને વાદળ ફાટવાની ઘટના ગણવામાં આવશે.
વાદળ ફાટવાનું કારણ શું છે?
વાદળ ફાટવા ઘણીવાર પવનની ગતિ, ઊંચાઈ અને તાપમાનમાં તફાવત ધરાવતી જટિલ હવામાન પ્રક્રિયાને કારણે થાય છે. જ્યારે ગરમ, ભેજવાળી હવા ઠંડી હવા સાથે અથડાય છે, ત્યારે તે ઉપર ચઢે છે અને ઘટ્ટ થઈને વાદળો બનાવે છે. જો આ વાદળ ખૂબ મોટા પ્રમાણમાં પાણી વહન કરે છે, તો તે વાદળ ફાટવાની ઘટના તરફ દોરી શકે છે.
વાદળ ફાટવાની અસર શું છે?
વાદળ ફાટવાથી અતિશય વરસાદ પડે છે, જેના કારણે અચાનક પૂર આવી શકે છે. તેમજ વાદળ ફાટતા ભૂસ્ખલનનું જોખમ પણ વધે છે. આ ઉપરાંત કુદરતી આફતોની સંભાવના પણ વધે છે જેના કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. વાદળ ફાટવાથી પાણીનો પુરવઠો વધવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામ થાય છે તેમજ ભયંકર રોગ ફેલાવાની સંભાવના પણ વધી જાય છે.