છેલ્લા એક મહિનાથી વિશ્વમાં વિમાન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં કઝાકિસ્તાન અને દક્ષિણ કોરિયામાં થયેલી વિમાન દુર્ઘટનાથી આખી દુનિયા ચોંકી ગઈ છે. ગયા રવિવારે દક્ષિણ કોરિયામાં થયેલો વિમાન અકસ્માત એટલો ખતરનાક હતો કે તેમાં ૧૭૯ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં ફક્ત બે મુસાફરો જ બચી શક્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે વિમાનની કોઈ દુર્ઘટના ઘટવાની હોય ત્યારે પાઇલટ્સ મેડે મેડે શબ્દો કેમ બોલે છે અને તેનો અર્થ શું થાય છે. જેને તમે ઘણી ફિલ્મોમાં પણ જોયું હશે. ચાલો આજે આની પાછળનું કારણ જાણીએ.
પાઇલટ્સ મેડે મેડે કેમ બૂમો પાડે છે?
તમને ખ્યાલ હોય તો ડિક્સનરીમાં છેલ્લા પેજ પર કેટલાક ટૂંકા શબ્દો લખેલા હોય છે અને સામે તેનો અર્થ લખ્યો હોય છે. આ રીતે વિમાનો અને એરલાઇન્સના પણ પોતાના ઘણા શબ્દો હોય છે, જે તેમના કોડવર્ડ શબ્દો હોય છે. આ શબ્દોનો ઉપયોગ પાઇલટ્સ સહિત એરલાઇનનો ક્રૂ સ્ટાફ કોડ શબ્દોમાં એકબીજાને માહિતી આપવા માટે કરે છે. આમાંના કેટલાક શબ્દો ખૂબ સરળ લાગે છે, પરંતુ તે ખરેખર કટોકટીની સ્થિતિમાં ક્રૂ સભ્યોને ચેતવણી આપવા માટે છે. આમાંનો એક શબ્દ છે મેડે મેડે. મેડે એ ઇમરજન્સી માટે વપરાય છે એતો ખ્યાલ આવી ગયો પરંતુ શું તમે જાણો છો કે મેડે મેડે શબ્દોનો અર્થ શું થાય છે અને પાઇલટ ક્યારે અને કઈ પરિસ્થિતિમાં આ શબ્દોનો ઉપયોગ કરે છે.
મેડેનો આ છે અર્થ
મેડે શબ્દનો ઉપયોગ પાઇલટ્સ કટોકટીમાં કરે છે. મેડે એટલે આપાતકાલ. હકીકતમાં, કટોકટીની સ્થિતિમાં પાઇલટ ત્રણ વખત મેડે શબ્દ બોલે છે અને તે સાંભળનારા ક્રૂ સભ્યોને ચેતવણી આપે છે કે આપાતકાલીન સ્થિતિ છે,ચેતી જાઓ. જોકે પાઇલટ હંમેશા આ શબ્દનો ઉપયોગ કરી શકતો નથી. આ શબ્દ Mayday Mayday ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ વપરાય છે. હવે તમને એવો પણ વિચાર આવતો હશે કે પાયલોટ સીધું કેમ નથી કહેતો કે કટોકટીની સ્થિતિ છે. હકીકતમાં, જો વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ખબર પડે કે કટોકટીની સ્થિતિ છે, તો ફ્લાઇટમાં ભાગદોડ મચી જશે. આ જ કારણ છે કે પાઇલટ્સ કોડવર્ડ શબ્દોનો ઉપયોગ કરે છે.
મેડે સાંભળ્યા પછી ક્રૂ સાવધ થઈ જાય છે
ખૂબ અગત્યની વાત કે મેડે શબ્દનો ઉપયોગ ડિસ્ટ્રેસ કોલમાં થાય છે. આનો અર્થ એ થયો કે વિમાન અને મુસાફરોના જીવ જોખમમાં છે અને કટોકટીની મદદની જરૂર છે. કટોકટીની સ્થિતિમાં રેડિયો હસ્તક્ષેપ અને મોટા અવાજને કારણે પાઇલટ્સને આ શબ્દ ત્રણ વખત બોલવાનું કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 'મેડે' શબ્દની શરૂઆત 1920 માં થઈ હતી. તે સમયે તેનો સૌપ્રથમ ઉપયોગ લંડનના ક્રોયડન એરપોર્ટ પર રેડિયો ઓફિસર ફ્રેડરિક સ્ટેનલી મોકફોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ફ્રેન્ચ શબ્દ 'm'aider' નો ઉપયોગ કરીને 'Mayday' શબ્દ બનાવ્યો. ફ્રેન્ચમાં 'મેઇડર' નો અર્થ 'મને મદદ કરો' એવો થાય છે. આ સિવાય 'પાન પાન' પણ એક ઇમરજન્સી કોડ છે. જો તેના વિષે તમે જાણવા માંગતા હોય તો કમેંટ કરો.