કેન્દ્ર સરકારે સુરક્ષા દળોમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નવીનતમ સૂચના અનુસાર, BSFમાં કોન્સ્ટેબલ સ્તરની સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત 10 ટકાથી વધારીને સીધી 50 ટકા કરી દેવામાં આવી છે. આ નિર્ણય અગ્નિપથ યોજનામાં સેવા આપનારા યુવાનોને 4 વર્ષની સેવા બાદ સ્થિર, સુરક્ષિત અને સન્માનજનક ભવિષ્ય આપવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ફક્ત 10 ટકા અનામતનો પ્રસ્તાવ

એક અહેવાલ મુજબ, અત્યાર સુધી BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ફક્ત 10 ટકા અનામતનો પ્રસ્તાવ હતો, પરંતુ નવા સુધારા સાથે આ ક્વોટા વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે, જે 5 ગણો વધારો છે. હવે દર વર્ષે BSF કોન્સ્ટેબલની કુલ સીધી ભરતીમાંથી અડધા પદો એવા ઉમેદવારો માટે અનામત રહેશે, જેમણે અગ્નિવીર તરીકે 4 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ નિર્ણયથી હજારો ભૂતપૂર્વ અગ્નિવીરો માટે રોજગારની વિશાળ તકો ઊભી થશે.

વય મર્યાદા 18 થી 23 વર્ષ

નવી ભરતી પ્રણાલી હેઠળ સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, ભૂતપૂર્વ અગ્નિવીરોને વિશેષ છૂટછાટ આપવામાં આવશે. અગ્નિપથ યોજનાના પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને મહત્તમ પાંચ વર્ષની વય છૂટછાટ મળશે, જ્યારે પછીની બેચના ઉમેદવારોને 3 વર્ષની વય છૂટછાટ આપવામાં આવશે. આ છૂટછાટથી અગ્નિવીર સેવા પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે ભરતીની પ્રક્રિયામાં આવતી અડચણો ઘણીએ હદ સુધી ઘટશે.

અનામતનું માળખું સ્પષ્ટ

ગૃહ મંત્રાલયના જાહેરનામા મુજબ, BSF કોન્સ્ટેબલ ભરતીમાં અનામતનું માળખું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કુલ બેઠકોમાંથી 50 ટકા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રહેશે, જ્યારે 10 ટકા બેઠકો ભૂતપૂર્વ સૈનિકો માટે રાખવામાં આવશે. આ ઉપરાંત, BSF માટે ત્રણ ટકા સુધી અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા સુરક્ષા દળોમાં અનુભવી, પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ માનવ સંસાધનનો સંતુલિત સમાવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ભરતી નિયમોમાં એક વધુ મહત્વપૂર્ણ સુધારો એ છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોને શારીરિક ધોરણ પરીક્ષણ (PST) અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. અગ્નિવીરો પહેલેથી જ કઠોર લશ્કરી તાલીમ અને શારીરિક કસોટીઓમાંથી પસાર થઈ ચૂક્યા હોવાથી, સરકાર દ્વારા તેમને ફરીથી આ પરીક્ષાઓ આપવાની ફરજમાંથી મુક્ત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ?

BSF કોન્સ્ટેબલ ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મા ધોરણ પાસ હોવી ફરજિયાત છે. ભૂતપૂર્વ સૈનિકોના મામલે, સમકક્ષ લશ્કરી લાયકાતોને પણ માન્યતા આપવામાં આવશે, જેથી તેઓ કોઈ અડચણ વિના અરજી કરી શકે. નવી સિસ્ટમ હેઠળ ભરતી પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કુલ 50 ટકા બેઠકો ફક્ત ભૂતપૂર્વ અગ્નિવીરો દ્વારા ભરવામાં આવશે અને આ પ્રક્રિયા સંબંધિત નોડલ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં બાકીની 47 ટકા બેઠકો, જેમાં ભૂતપૂર્વ સૈનિકો માટેની 10 ટકા અનામત પણ સામેલ છે, તે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરવામાં આવશે. જો પ્રથમ તબક્કામાં કોઈ બેઠકો ખાલી રહેશે, તો તે બેઠકો પણ બીજા તબક્કામાં સામેલ કરીને ભરતી કરવામાં આવશે.

મહિલા ઉમેદવાર માટે શું કરવામાં આવ્યું નક્કી ?

મહિલા ઉમેદવારો માટે કોઈ અલગ ટકાવારી નક્કી કરવામાં આવી નથી. દર વર્ષે BSFના મહાનિર્દેશક (DG BSF) દ્વારા દળની કાર્યાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટેની બેઠકો નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : Knowledge : ગગનયાન મિશન તરફ મોટું પગલું, ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ