ઘણા ભારતીયો દુબઈથી સોનું ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં તેનું ભાવ તુલનાત્મક રીતે ઓછું હોય છે અને કારીગરી પણ ઉત્તમ હોય છે. પરંતુ દુબઈથી સોનું ભારતમાં લાવવાની પ્રક્રિયા એટલી સરળ નથી જેટલી લાગે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ, ચોક્કસ મર્યાદા સુધી જ સોનું કરમુક્ત લાવી શકાય છે. જો આ નિયમોનું ઉલ્લંઘન થાય, તો દંડ, જપ્તી અને કાયદેસર કાર્યવાહી જેવી ગંભીર કાર્યવાહી થઈ શકે છે.


પ્રવાસીઓ માટે કરમુક્ત સોનાની મર્યાદા

કસ્ટમ નિયમો અનુસાર સોનાની કરમુક્ત મર્યાદા પ્રવાસીના લિંગ અને ઉંમર પર આધારિત છે.

• પુરુષ પ્રવાસીઓ: ₹50,000 સુધીની કિંમતના 20 ગ્રામ સોનાના દાગીના લાવી શકે છે.

• મહિલા પ્રવાસીઓ: ₹1,00,000 સુધીની કિંમતના 40 ગ્રામ સોનાના દાગીના લાવી શકે છે.

• 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો: 40 ગ્રામ સુધીના સોનાના દાગીના લાવી શકે છે, પરંતુ તેઓ સાથે આવેલા પુખ્ત વયના વ્યક્તિ સાથેના સંબંધનો પુરાવો આપવો ફરજિયાત છે.

આ મર્યાદા માત્ર સોનાના દાગીના પર લાગુ પડે છે — સોનાના બાર, સિક્કા અથવા બિસ્કિટ પર નહીં.

કરમુક્ત સોનું લાવવાની શરતો

કરમુક્ત સોનાની સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે:

1. મુસાફર ઓછામાં ઓછા એક વર્ષ સુધી વિદેશમાં નિવાસી રહ્યો હોવો જોઈએ.

2. આ છૂટ માત્ર ઘરેણાં સુધી મર્યાદિત છે. અન્ય પ્રકારના સોનામાં કસ્ટમ ડ્યુટી ભરવી ફરજિયાત છે.

3. જો મંજૂરી મર્યાદા કરતાં વધુ સોનું લાવાય, તો એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને જાહેર કરવું જરૂરી છે.

છુપાવીને લાવાયેલું સોનું જપ્ત થઈ શકે છે અને મુસાફર પર વધારાનો દંડ પણ લાદી શકાય છે. જો કોઈ વ્યક્તિ મંજૂર મર્યાદા કરતાં વધારે સોનું લાવવા ઈચ્છે છે, તો તે કસ્ટમ ડ્યુટી ચૂકવીને કાયદેસર રીતે એવું કરી શકે છે. હાલ આ ડ્યુટી સોનાના જથ્થા પર આધાર રાખીને 38.5% સુધી હોઈ શકે છે.

મર્યાદા કરતાં વધુ સોનું લાવવાથી શું થશે?

જો કોઈ મુસાફર સોનાની માન્ય મર્યાદા કરતાં વધુ દાણચોરી કરીને જાહેર કર્યા વિના લાવે છે, તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

કસ્ટમ વિભાગને તે અઘોષિત સોનાને જપ્ત કરવાનો અધિકાર છે.

મુસાફર પર સોનાની બજાર કિંમત જેટલો કે તેથી વધુ દંડ લાદી શકાય છે.

ભારતીય કસ્ટમ્સ અધિનિયમ, 1962 હેઠળ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, જેમાં એક લાખ રૂપિયાથી વધુ મૂલ્યના સોનાની દાણચોરી માટે સાત વર્ષ સુધીની જેલ સજાની જોગવાઈ છે.

જો કેસમાં સંગઠિત દાણચોરી અથવા વારંવાર ગુના કરવાની બાબત સામે આવે, તો સ્થિતિ વધુ ગંભીર બને છે.

નિયમોનું પાલન કરવું છે મહત્વપૂર્ણ 

ભારતીય દંડ સંહિતા, 2023 મુજબ આવા ગુનાઓ માટે પાંચ વર્ષથી આજીવન કેદ અને ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. દુબઈથી સોનું ખરીદવું ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ નિયમોનું પાલન કરવું એટલું જ મહત્વપૂર્ણ છે. મુસાફરોએ CBICના નિયમો અને મર્યાદાઓ સમજવી જોઈએ જેથી અનાયાસ કાનૂની મુશ્કેલીઓથી બચી શકાય અને સોનું કાયદેસર રીતે ભારતમાં લાવી શકાય.


  • Follow us on: