ખાનગી કર્મચારીઓના ભવિષ્ય માટે સરકાર દ્વારા પ્રોવિડન્ટ ફંડ જમા કરવામાં આવે છે. જેમાં એક હિસ્સો નોકરીદાતા અને એક હિસ્સો કર્મચારી આપે છે. તમે આ પૈસા ઉપાડી શકો છો, પણ તેના માટે ઘણા નિયમો છે. આવામાં ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે કે, લગ્ન ખર્ચ માટે પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડી શકાય? જો હા, તો કેટલીવાર આપણે પ્રોવિડન્ટ ફંડમાંથી લગ્ન માટે પૈસા ઉપાડી શકીએ છીએ? આ અહેવાલમાં આજે આપણે આ અંગે વિગતવાર જાણીશું.
લગ્ન માટે ઉપાડી શકાય છે પીએફના પૈસા
EPFO દ્વારા લગ્ન માટે પીએફ ઉપાડવાના નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે. હવે કર્મચારી પોતાના લગ્ન માટે કે પરિવારના અન્ય સભ્ય માટે પીએફના પૈસા ઉપાડી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ (EPFO) દ્વારા ખાનગી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના લાભ માટે કામ કરે છે. આ પૈસા તમે જરૂરિયાતના સમયે ઉપાડી શકો છો. આ પૈસા તમારી મરજીથી ઉપાડી શકતા નથી, પણ તેના માટે ઘણા નિયમો છે.
લગ્ન માટે પાંચ વાર પૈસા ઉપાડી શકો છો
EPFOના નવા નિયમો અનુસાર, હવે લગ્ન માટે પીએફના પૈસા ઉપાડવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બની છે. હવે પીએફ ખાતાધારક પોતાના કે પોતાના પરિવારના સભ્યના લગ્ન માટે પીએફના પુરા પૈસા ઉપાડી શકે છે. જેમાં કર્મચારી અને નોકરીદાતાનો હિસ્સાનો સમાવેશ થાય છે. આ સાથે હવે લગ્ન માટે પાંચ વાર પૈસા ઉપાડી શકો છો. આ મર્યાદા જૂના નિયમો અનુસાર માત્ર ત્રણવાર હતી.
1 વર્ષની નોકરી બાદ પણ તમે લગ્ન ખર્ચ માટે પૈસા ઉપાડી શકો છો
પીએફના પૈસા ઉપાડવા માટે પહેલા ઓછામાં ઓછી 7 વર્ષની નોકરી કરેલી હોવી જોઈએ તેવો નિયમ હતો. આ નિયમમાં છુટ આપવામાં આવી છે. હવે માત્ર 1 વર્ષની નોકરી બાદ પણ તમે લગ્ન ખર્ચ માટે પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે લગ્નની કંકોત્રી કે અન્ય પુરાવા રજૂ કરવાની જરૂર રહેશે નહીં. ખાલી એકરારનામું રજૂ કરવાનું રહેશે. નવા નિયમો લાગુ થયા બાદ આ સંપૂર્ણ પ્રક્રિયા સરળ બની છે.
પીએફના પૈસા ઉપાડવાના નવા નિયમો
- પીએફના પુરા પૈસા ઉપાડી શકાશે
- વધુમાં વધુ 5 વાર પૈસા ઉપાડી શકાશે
- યર ઓફ સર્વિસ મર્યાદા 12 મહિના કરવામાં આવી
- લગ્ન માટે માત્ર એકરારનામું આપીને પૈસા ઉપાડી શકાશે
આ પણ વાંચો - EPFO: શું તમે પણ વચ્ચે PFની રકમ ઉપાડી છે? હવે આ રીતે કેલ્ક્યુલેશન થશે પીએફ પર મળતુ વ્યાજ