ભારતમાં વ્યાવહારિક ચલણમાં વપરાતી 100, 200 અને 500 સહિતની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) કાગળની નોટો છાપવાનો ખર્ચ ઘટાડવા અને ફાટેલી નોટોની સમસ્યાને દૂર કરવા મોટો ફેરફાર કરી શકે છે. જો આ બદલાવ થશે તો ટૂંક સમયમાં, તમારા ખિસ્સામાં કાગળને બદલે પ્લાસ્ટિક (પોલિમર) નોટો હશે. RBI બોર્ડ મીટિંગમાં આને મંજૂરી મળી શકે છે, અને ટૂંક સમયમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની અપેક્ષા છે. RBI ભવિષ્યમાં ચલણમાં પ્લાસ્ટિક નોટ લાવી શકે છે. આમ, કરવા પાછળ આટલા ફાયદો થશે.

ભારતમાં પ્લાસ્ટીક આવી શકે ચલણમાં

ભારતમાં પ્લાસ્ટિક (પોલિમર) નોટો લાવવાની ચર્ચા અને તેના પરના ટ્રાયલ્સ લાંબા સમયથી ચાલી રહી છે. જો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આગામી સમયમાં સત્તાવાર રીતે પ્લાસ્ટિક નોટો સંપૂર્ણપણે ચલણમાં લાવવામાં આવે, તો તેનાથી દેશની અર્થવ્યવસ્થા અને બેંકિંગ સિસ્ટમને ઘણા મોટા ફાયદા થઈ શકે છે.

પ્લાસ્ટીક નોટના મુખ્ય ફાયદાઓ

નકલી નોટો પર સંપૂર્ણ બ્રેક: પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો બનાવવામાં અત્યંત આધુનિક ટેકનોલોજી અને જટિલ સિક્યોરિટી ફીચર્સનો ઉપયોગ થાય છે. આ નોટોની આબેહૂબ નકલ (કાઉન્ટરફીટિંગ) કરવી કોઈપણ સામાન્ય કે હાઈટેક મશીન માટે લગભગ અશક્ય છે. આનાથી દેશમાં નકલી નોટોના કારોબારને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાશે.

નોટોનું વધશે આયુષ્ય : કાગળની નોટો સામાન્ય રીતે પાણીમાં પલળવાથી, ફાટી જવાથી કે સતત વપરાશથી જલ્દી ખરાબ થઈ જાય છે. તેની સરખામણીમાં પ્લાસ્ટિક નોટો ૪ થી ૫ ગણી વધારે ટકે છે. તે સરળતાથી ફાટતી નથી, જેના કારણે વારંવાર નવી નોટો છાપવાનો ખર્ચ બચી જશે.

વોટરપ્રૂફ અને કેમિકલ રેઝિસ્ટન્ટ :  પ્લાસ્ટિક નોટો સંપૂર્ણપણે વોટરપ્રૂફ (Waterproof) હોય છે. જો આ નોટો ભૂલથી પાણીમાં પલળી જાય, કપડાં સાથે વોશિંગ મશીનમાં ધોવાઈ જાય, કે તેના પર ચા-કોફી ઢોળાય, તો પણ તેને કોઈ નુકસાન થતું નથી. તેને માત્ર કપડાથી લૂછીને ફરી વાપરી શકાય છે.

ગંદકી અને બેક્ટેરિયા મુક્ત : કાગળની નોટો પર ધૂળ, માટી અને પરસેવો જલ્દી ચોંટી જાય છે, જેના કારણે તે ખૂબ જ ગંદી દેખાય છે અને તેના પર બેક્ટેરિયા કે વાયરસ ફેલાવવાનું જોખમ રહે છે. પ્લાસ્ટિક નોટો નોન-પોરસ (Non-porous) હોવાથી તેના પર ગંદકી જામતી નથી અને તે લાંબા સમય સુધી સાફ-સુથરી રહે છે.

પર્યાવરણને અનુકૂળ : જોકે આ નોટો પ્લાસ્ટિકની બનેલી હોય છે, પરંતુ જ્યારે આ નોટો ખૂબ જૂની કે વાપરવા લાયક ન રહે, ત્યારે તેને ઓગાળીને (Recycle કરીને) અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. જ્યારે કાગળની નોટો ખરાબ થતાં તેને બાળી નાખવી પડે છે.

ATM મશીન માટે વધુ અનુકૂળ : ઘણીવાર કાગળની નોટો વળી જવાથી કે જૂની હોવાને કારણે ATM મશીનમાં ફસાઈ જવાની સમસ્યા રહે છે. પ્લાસ્ટિક નોટો સીધી અને કડક રહેતી હોવાથી ATM મશીનો અને નોટ ગણવાના મશીનોમાં તે ખૂબ જ સરળતાથી અને કોઈપણ અડચણ વિના પ્રોસેસ થઈ શકે છે.

બદલાતા હવામાનમાં પ્લાસ્ટીક નોટથી ફાયદો

ઉલ્લેખનીય છે કે ભારતમાં આરબીઆઈ (RBI) દ્વારા સૌપ્રથમ રૂ. 10ની નોટોથી પ્લાસ્ટિક કરન્સીનું ટ્રાયલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભારતના ગરમી, ભેજ અને વરસાદ જેવા વૈવિધ્યસભર હવામાનમાં આ નોટો કેટલી ટકી શકે છે તેનું પરીક્ષણ કરી શકાય. આજે ડિજિટલ કરન્સની ઉપયોગ વધ્યો છે. પરંતુ છતાં પણ કેટલાક સ્થાન પર કાગળના ચલણ જરૂરી છે. હાલમાં ચલણ કાગળનું હોવાથી ફાટી જવા, વરસાદમાં પલળવાના કારણે નકામું જાય છે. જો પ્લાસ્ટીકના ચલણ આવે તો બદલાતા હવામાનથી સુરક્ષિત રહેશે.


આ પણ વાંચો : Sun Science: અંતરિક્ષમાં ઓક્સિજન વિના સૂર્ય કેવી રીતે આપી રહ્યો છે પ્રકાશ, જાણો શું કહે છે વિજ્ઞાન?