ઘરેણાંના શોખીનો સોના અને ચાંદી બંને કીમતી ધાતુની ખરીદી કરે છે. લોકો શુભ પ્રસંગોમાં સોનું અને ચાંદી ભેટમાં પણ આપે છે. ત્યારે વર્ષો જૂના દાદીના દાગીના લોકરમાં રાખ્યા હોય તે જોઈ આશ્ચર્ય થાય છે. કારણ કે તિજોરી કે લોકરમાં રાખેલા ચાંદીના દાગીના સમય જતાં પોતાની ચમક ગુમાવી કાળા પડી ગયેલા હોય છે. જયારે સોનાના દાગીના વર્ષો સુધી એવા ને એવા જ ચમકતા દેખાય છે. આ જોઈ ઘણા લોકોને એ પ્રશ્ન જરૂર થાય કે ચાંદી કાળી પડે છે પણ સોનું હંમેશા કેમ ચમકે છે. આનું રહસ્ય શું છે.

ચાંદી કાળી પડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

ચાંદીના વાસણો કે દાગીના સમય જતાં કાળા થઈ જવાની પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં 'ટાર્નિશિંગ' (Tarnishing) કહેવામાં આવે છે, જે સંપૂર્ણપણે એક રાસાયણિક પ્રતિક્રિયા છે. ચાંદીના દાગીનામાં કેમિકલ રિએક્શન થાય છે. જ્યારે ચાંદી હવામાં હાજર હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ અથવા અન્ય સલ્ફર સંયોજનોના સીધા સંપર્કમાં આવે છે, ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રતિક્રિયાના કારણે ચાંદીની સપાટી પર 'સિલ્વર સલ્ફાઇડ' (Silver Sulfide) નું અત્યંત પાતળું અને કાળું પડ એટલે કે સલ્ફાઇડનું પડ જામી જાય છે, જેના લીધે ચાંદી પોતાની કુદરતી ચમક ગુમાવે છે.

આપણા ઘરોમાં ક્યાંથી આવે છે સલ્ફર?

ચાંદીના દાગીના કાળું કરનાર સલ્ફાઈડ ઘરની સ્વચ્છ હવામાં કયાંથી આવે છે તેવો ઘણા લોકોને પ્રશ્ન થાય છે. વિજ્ઞાન અનુસાર, વાયુ પ્રદૂષણ ઉપરાંત સલ્ફર માનવ પરસેવો, પરફ્યુમ, ડિઓડોરન્ટ અને સૌંદર્ય પ્રસાધનો (Cosmetics) માં પણ હાજર હોય છે. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં જ્યારે હવામાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધે છે, ત્યારે ચાંદી અને સલ્ફર વચ્ચેની આ રાસાયણિક પ્રક્રિયા વધુ ઝડપી બને છે. આ જ કારણ છે કે ભેજવાળા વાતાવરણમાં લોકરમાં રાખેલી ચાંદી પણ ઝડપથી કાળી પડી જાય છે.

સોનાની ચમક સદીઓ સુધી કેમ નથી ઝાંખી પડતી?

સોનાના દાગીના ક્યારેય કાળા ન પડવા પાછળ તેના આંતરિક રાસાયણિક ગુણધર્મો જવાબદાર છે. સોનું ઉમદા ધાતુ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સોનાને 'નોબલ મેટલ' માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે સોનું પ્રકૃતિમાં સૌથી ઓછું પ્રતિક્રિયાશીલ (Least Reactive) તત્વ છે. હવામાં ગમે તેટલો ભેજ, ઓક્સિજન કે સલ્ફર ગેસ હોય, સોનાની સપાટી તેની સાથે કોઈ પ્રતિક્રિયા આપતી નથી.

મજબૂત અણુ બંધારણ સોનામાં ચમકનું કારણ

સોનાની ચમક પાછળ મજબૂત અણુ બંધારણ જવાબદાર છે. સોનાની અણુ રચના (Atomic Structure) માં તેના ન્યુક્લિયસની આસપાસના બાહ્ય ઇલેક્ટ્રોન ખૂબ જ સ્થિર અને મજબૂત રીતે જોડાયેલા હોય છે. આ અદભુત સ્થિરતાના કારણે સોનું અન્ય કોઈ તત્વ સાથે નવું બોન્ડ બનાવવા માટે પોતાના ઇલેક્ટ્રોન સરળતાથી છોડતું નથી. ઇલેક્ટ્રોન વચ્ચેના આ મજબૂત બંધનને કારણે સોના પર ક્યારેય કાટ (Corrosion) લાગતો નથી કે ઓક્સાઇડનું પડ બનતું નથી. આ જ કારણ છે કે સદીઓ સુધી કાદવ, માટી કે પાણીમાં દટાયેલા રહેવા છતાં પણ જ્યારે સોનું બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેની ચમક નવા જેવી જ અકબંધ હોય છે.

વૈશ્વિક સ્તરે અરાજકતાનો માહોલ

હાલમાં વૈશ્વિક સ્તરે અમેરિકા (US) અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૂ-રાજકીય તણાવની સીધી અસર બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, હાલમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹૫૯,૩૪૦ છે, જ્યારે શુદ્ધ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹૭૨,૨૭૦ ચાલી રહ્યો છે. જો કે સ્થાનિક ટેક્સ અને મેકિંગ ચાર્જિસના કારણે જુદા જુદા રાજ્યોમાં ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે. 


આ પણ વાંચો : Knowledge: ભારતમાં 3 બ્લેડવાળા પંખા કેમ હોય છે, જાણો તેની પાછળનું રસપ્રદ વિજ્ઞાન