જો તમે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું અને ચાંદીની કિંમતો પર નજર રાખી હશે, તો સ્પષ્ટ દેખાશે કે આ કિંમતી ધાતુઓ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. ક્યારેક થોડી ઘટત, તો ક્યારેક ભારે તેજી પરંતુ કુલ મળીને ટ્રેન્ડ તેજીનો જ રહ્યો છે. ખાસ કરીને ચાંદીએ તો રોકાણકારો અને સામાન્ય લોકો બંનેને આશ્ચર્યચકિત કરી દીધા છે.
ચાંદીની કિંમતો
દિલ્હી ના સર્રાફા બજારમાં ચાંદીની કિંમતોમાં એવો ઉછાળો આવ્યો કે બજારમાં ખળભળાટ મચી ગયો. માત્ર એક જ દિવસમાં ચાંદી 15,000 રૂપિયા વધી 2,65,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ચાંદી ખરેખર 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવનારા કેટલાક દિવસો ચાંદીની કિંમતો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ચાંદીની કિંમતોમાં અચાનક આવી તેજી કેમ?
અખિલ ભારતીય સર્રાફા સંઘ અનુસાર, ચાંદીની કિંમતોમાં લગભગ 6 ટકા નો ઉછાળો આવ્યો છે. ગયા ટ્રેડિંગ દિવસે ચાંદી જ્યાં 2,50,000 રૂપિયા પ્રતિ કિલો હતી, ત્યાં હવે સીધી 2,65,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એ જ રીતે, 99.9 ટકા શુદ્ધતા વાળા સોનામાં પણ લગભગ 2,900 રૂપિયાનો વધારો નોંધાયો છે. લેમન માર્કેટ્સના રિસર્ચ એનાલિસ્ટ ગૌરવ ગર્ગ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,600 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ચૂક્યું છે, જ્યારે ચાંદી 84 થી 90 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આનો અર્થ સ્પષ્ટ છે કે વૈશ્વિક સ્તરે જોખમી પરિસ્થિતિઓ વચ્ચે રોકાણકારો સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણ તરીકે સોનું અને ચાંદી તરફ ઝડપથી વળી રહ્યા છે.
ચાંદીને 3 લાખના પાર લઈ જનાર મુખ્ય કારણો
1. અમેરિકાના મોંઘવારીના આંકડા
અમેરિકામાં ડિસેમ્બર મહિનાની મોંઘવારી દર 2.7 ટકા રહી છે. આથી આશા વધી છે કે અમેરિકી સેન્ટ્રલ બેંક (Fed) વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. વ્યાજદરો ઘટે ત્યારે સામાન્ય રીતે સોનું અને ચાંદી મોંઘા બને છે.
2. ફેડ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તણાવ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડ ચેરમેન જેરોમ પાવેલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જો ટ્રમ્પની પસંદગીનો નવો ફેડ ચેરમેન આવે અને વ્યાજદરોમાં ઘટાડો થાય, તો ચાંદીની કિંમતોને વધુ સપોર્ટ મળી શકે છે.
3. ટ્રમ્પ ટેરિફ પર કોર્ટનો નિર્ણય
15 જાન્યુઆરીએ અમેરિકી કોર્ટમાં ટ્રમ્પના ટેરિફ સંબંધિત કેસ પર નિર્ણય આવી શકે છે. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સોનું-ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે.
4. ભૂ-રાજકીય તણાવ (જીઓ-પોલિટિકલ ટેન્શન)
ઈરાન, રશિયા, વેનેઝુએલા, ક્યુબા અને કાંબોડિયા જેવા દેશો સાથે અમેરિકા ના વધતા તણાવથી બજારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આવા સંજોગોમાં ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.
5. ચાંદીની ઔદ્યોગિક માગ
સોલર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન એનર્જી સેક્ટરમાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. સંશોધન મુજબ, 2027 સુધીમાં સોલર ઇન્ડસ્ટ્રીને હાલની સપ્લાયના 20 ટકા કરતાં વધુ ચાંદીની જરૂર પડશે. જ્યારે 2050 સુધીમાં ચાંદીના 85–98 ટકા વૈશ્વિક જથ્થાનો ઉપયોગ થઈ શકે છે.
6. રૂપિયાની નબળાઈ
ડોલર સામે રૂપિયો નબળો થયો છે. વર્ષ 2025માં રૂપિયો અત્યાર સુધીમાં 5 ટકા કરતાં વધુ ઘટી ચૂક્યો છે. ચાંદી આયાત કરવામાં આવે છે, તેથી રૂપિયાની નબળાઈને કારણે તેની કિંમતોમાં વધુ વધારો થાય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ સ્ત્રોતોના રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ તેની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો- New Rule Of Toll Plazas : ટોલ પ્લાઝા પર હવે રોકડ નહીં ચાલે, 1 એપ્રિલથી માત્ર FASTag અને UPIથી જ મળશે એન્ટ્રી!