દેશભરમાં હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મોટો બદલાવ આવવાનો છે. કેન્દ્ર સરકારે હાઇવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી દેશના તમામ રાષ્ટ્રીય હાઇવે પર આવેલા ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી બંધ કરવામાં આવશે. હવે ટોલ ફી ચૂકવવા માટે ફક્ત FASTag અથવા UPI જ માન્ય રહેશે.
ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીને પૂર્ણવિરામ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું છે કે ભારત ઝડપથી ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ ટોલ પ્લાઝા પર UPI દ્વારા ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેને જનતાનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતાને આધારે સરકારે હવે રોકડ ચુકવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ પછી ટોલ પ્લાઝા પર કેશ સ્વીકારવામાં આવશે નહીં.
કેશ લેન બંધ થવાથી મળશે ટ્રાફિક જામથી રાહત
આ નિર્ણય અમલમાં આવતા દેશભરના તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરી દેવામાં આવશે. મેન્યુઅલ ટોલ કલેક્શનને કારણે થતી લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થશે. સરકારનું માનવું છે કે કેશલેસ ટોલિંગ સિસ્ટમ વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય સાબિત થશે. આજના સમયમાં પણ ઘણા વાહનચાલકો FASTag હોવા છતાં કેશ લેનનો ઉપયોગ કરે છે, જેના કારણે તહેવારો અને વ્યસ્ત સમયગાળામાં ભારે ભીડ સર્જાય છે.
સમય અને ઇંધણની થશે મોટી બચત
ટોલ પ્લાઝા પર વારંવાર વાહન અટકાવવાથી ઇંધણનો વધારાનો ખર્ચ થાય છે અને મુસાફરોને થાક પણ અનુભવાય છે. વી. ઉમાશંકરના જણાવ્યા અનુસાર, દરેક સ્ટોપ અને ફરીથી વાહન શરૂ કરવાથી ડીઝલ અને સમય બંને બગડે છે, ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન. કેશલેસ ટોલિંગ સિસ્ટમથી આ સમસ્યાઓ મોટા ભાગે દૂર થઈ જશે.
અવરોધ-મુક્ત ટોલિંગ તરફ સરકારનું આગલું પગલું
રોકડ રહિત ટોલિંગનો આ નિર્ણય ભવિષ્યની મોટી યોજના તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. આ પદ્ધતિમાં ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે. FASTag અને વાહન ઓળખ ટેક્નોલોજી દ્વારા ટોલ ફી આપમેળે કપાઈ જશે, જેના કારણે હાઇવે પર વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.
25 ટોલ પ્લાઝા પર પાયલોટ પ્રોજેક્ટ
MLFF સિસ્ટમને અમલમાં મૂકતા પહેલા સરકાર દેશભરના 25 ટોલ પ્લાઝા પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ દરમિયાન મુસાફરોના અનુભવ અને નિયમોની અસરકારકતા તપાસવામાં આવશે. પરીક્ષણ સફળ થયા બાદ આ સિસ્ટમને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. આ બદલાવથી ભીડમાં ઘટાડો થશે, મુસાફરીનો સમય ઘટશે અને પ્રદૂષણ પર પણ નિયંત્રણ આવશે.
મુસાફરોને સરકારની અપીલ
સરકારે તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ 1 એપ્રિલ પહેલાં પોતાનું FASTag સક્રિય રાખે અને તેમાં પૂરતું બેલેન્સ સુનિશ્ચિત કરે, અથવા UPI ચુકવણી માટે તૈયાર રહે. કેશલેસ ટોલિંગ અને અવરોધ-મુક્ત હાઇવેની આ પહેલથી ભવિષ્યમાં ટોલ પ્લાઝા પર ભીડ નહીં રહે અને દેશભરમાં રોડ મુસાફરી વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે.
આ પણ વાંચો- Cricket News : ક્રિકેટનો યોદ્ધા હવે લડી રહ્યો છે જિંદગીની જંગ, સ્ટાર ખેલાડીની હાલત નાજુક, ગયા વર્ષે જ લીધો હતો સંન્યાસ