જે ઇમારત ને દેશની રાજધાની દિલ્હીનું ગૌરવ માનવામાં આવે છે જે ઈમારતને જોવા દેશ વિદેશથી લોકો ભારત આવે છે એ ઐતિહાસિક લાલ કિલ્લો હવે ધીમે ધીમે કાળો થઈ રહ્યો છે અને તેના આ રંગ બદલાવાનું કારણ તમને વિચારતા કરી મૂકશે.


લાલ કિલ્લાને કાળો કરવા પાછળનું કારણ જાહેર કરાયું 

2007માં યુનેસ્કો તરફથી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. ભારતની યાત્રાએ આવતા મોટા ભાગના પવાસીઓ જ્યારે પણ દેશની રાજધાની દિલ્લીની મુલાકાત લે ત્યારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને અવશ્ય યાદ કરે છે, પરંતુ ભારત અને ઇટાલીના એક સંયુક્ત હેરિટેજ સાઇટ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને કારણે કિલ્લાનો રંગ ઘાટો થઈ રહ્યો છે અને બદલાઈને કાળો થઈ રહ્યો છે.

ઝેરી પ્રદૂષકો સ્મારકની લાલ રંગ માટે નુકસાનકારક

દેશની રાજધાની દિલ્લી ખાતે આવેલ લાલ કિલ્લાનો લાલ રંગ તેની બનાવટ વખતે ઉપયોગમાં લેવાયેલ લાલ રેતીના પથ્થરોની દિવાલોના લીધે ઘટ્ટ લાલ હતો અને આજ બાબત તેની સુંદરતામાં વધારો કરતી હતી, પરંતુ અભ્યાસ મુજબ દિલ્લીમાં ઝેરી પ્રદૂષકોના લીધે સ્મારકની લાલ રેતીના પથ્થરોની દિવાલો પર "કાળા સ્તરો" બનવા લાગ્યા છે. હવાના પ્રદૂષણમાં રહેલા જીપ્સમ, ક્વાર્ટઝ અને સીસું, તાંબુ અને ઝીંક જેવા તત્વો આ માટે જવાબદાર માનવામાં આવે છે.

55 થી 500 માઇક્રોમીટર જાડા સ્તરો

ભારત અને ઇટાલીના એક સંયુક્ત હેરિટેજ સાઇટ અભ્યાસમાં રાજધાની દિલ્હી ખાતે આવેલ લાલ કિલ્લા પર 2021 અને 2023 ની વચ્ચે સંયુક્ત અભ્યાસ દરમિયાન આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેને વર્ષ 2025ના હેરિટેજ જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી. સંયુક્ત હેરિટેજ સાઇટ અભ્યાસમાં જાણવા મળ્યું કે કિલ્લાની લાલ રેતીના પથ્થરની સપાટી પર 55 થી 500 માઇક્રોમીટર જાડા સ્તરો જામી ચૂક્યા છે જે લાલ કિલ્લાને કાળો બનાવી રહ્યા છે.

  • Follow us on: