રાજકોટના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આજે એક અત્યંત દુઃખદ અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મુસાફરોની સલામત સવારી ગણાતી સરકારી બસ જ એક વૃદ્ધ માટે યમદૂત બની હતી. કારણ કે બ્રેક ફેલ થવાના કારણે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત રાજકોટ-જસદણ-બોટાદ રૂટની સરકારી બસમાં સર્જાયો હતો. બસ સ્ટેન્ડ પર ઊભેલી આ બસની અચાનક બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
રાજકોટ-જસદણ-બોટાદની બસનો અકસ્માત
કાબૂ બહાર થયેલી બસ અનિયંત્રિત રીતે આગળ ધપી હતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 65 વર્ષના દિનેશભાઈ મારવાણીયા નામના વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી બસ સ્ટેન્ડ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસ સ્ટેન્ડ જેવી સુરક્ષિત જગ્યાએ બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થતાં મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.













