રાજકોટમાં ચોમાસાનો સારો વરસાદ રહ્યો. દિવાળી તહેવારના પડઘમ વાઘી રહ્યા છે છતાં વરસાદ વિદાય થવાનું નામ લેતો નથી. રાજકોટમાં રેલનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. 17 કરોડના ખર્ચે બનેલો અંડરપાસ દયનીય સ્થિતિમાં છે. રેલનગર અંડરપાસ બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. 2 વર્ષ પહેલા અંડરપાસની સ્થિતિ વધુ ખરાબ થતા 54 લાખના ખર્ચે વોટરપ્રૂફિંગ કરાયું હતું. પરંતુ આ વર્ષના વરસાદમાં રેલનગર અંડરપાસમાં વોટરપ્રૂફિંગ સિસ્ટમ પણ ફેલ થઈ ગઈ છે.


રેલનગર અંડરપાસ કાયમી સમસ્યા

આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે રેલનગર અંડરપાસમાં વગર વરસાદે પણ પાણી ભરાઈ જાય છે. લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલ આ બ્રિજ બન્યો ત્યારથી અમે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજકોટ ઉપરાંત આણંદમાં પણ અત્યારે વરસાદને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આણંદમાં અડધા કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો. પોણા બે ઇંચ વરસાદમાં લોટીયા ભાગોળ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. અને નયા વતન સોસાયટી વિસ્તાર 100 ફિટ રોડ, ઇન્દિરા સ્ટેચ્યુ અને વિશાલ મેગા માર્ટ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા. ગામડી વડ, જૂની પાણીની ટાંકી પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી.

અન્ડર બ્રિજમાં કરોડોનો ધુમાડો

17 કરોડના ખર્ચે બનેલા રેલનગર અન્ડર બ્રિજની હાલત બિસ્માર છે. બ્રિજમાં લીલ અને શેવાળ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડે છે. બ્રિજ બન્યો ત્યારથી સમસ્યા ઊભી હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આક્ષેપ. વધુમાં એમ પણ કહ્યું કે એક બ્રિજ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાયું છતાં સમસ્યા જેમની તેમ છે. આટલું મોટું તંત્ર જયાં ત્યાં રૂપિયા ફૂંકી બ્રિજ બનાવી તો દે છે, પરંતુ તેની જાળવણીને લઈને બિલકુલ ધ્યાન આપવામાં આવતું નથી. બ્રિજ બનાવવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે. લોકોની સુવિધા માટે નહીં માનીતાઓને કમાણી કરાવવા આવા બ્રિજ બનાવાય છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

  • Follow us on: