ભોજનમાં જો તીખાશ ન હોય તો સ્વાદ અધૂરો લાગે છે, અને જ્યારે વાત તીખાશની આવે ત્યારે ભારતીય લાલ મરચાંની તોલે દુનિયામાં કોઈ આવી શકે તેમ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત પાડોશી દેશ ચીન સાથે ભલે ગમે તેટલા સરહદી વિવાદો ધરાવતું હોય, પરંતુ ખાણીપીણીની બાબતમાં ચીન ભારતીય લાલ મરચાંનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. નાણાકીય વર્ષ 2023-24ના આંકડા મુજબ, ચીને ભારતમાંથી આશરે 4,123 કરોડ રૂપિયાની કિંમતનું 1.79 લાખ ટન લાલ મરચું ખરીદ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ભારતે કુલ 6.01 લાખ ટન મરચાંની વૈશ્વિક નિકાસ કરી હતી, જેમાંથી સિંહફાળો એકલા ચીનનો હતો.
ચીન સૌથી મોટો ખરીદદાર કેમ?
વિશાળ કન્ઝ્યૂમર માર્કેટ: ચીનની વસ્તી ખૂબ મોટી છે અને ત્યાં ફૂડ પ્રોસેસિંગ તેમજ મસાલા આધારિત પ્રોડક્ટ્સનું માર્કેટ ઘણું મોટું હોવાથી મરચાંની ડિમાન્ડ સતત રહે છે.
તીખા સ્વાદની ભારે માંગ: ચીનના અનેક પ્રાંતોમાં અત્યંત તીખું ભોજન પસંદ કરવામાં આવે છે. ભારતીય મરચું તેના તેજ સ્વાદ માટે ત્યાં બેસ્ટ માનવામાં આવે છે.
શ્રેષ્ઠ રંગ અને ગુણવત્તા: ભારતીય લાલ મરચું, ખાસ કરીને દક્ષિણ ભારતની જાતો, તેના ઘેરા લાલ રંગ અને તીખાશના પરફેક્ટ બેલેન્સ માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે.
નિયમિત અને મોટો સપ્લાય: ભારત દુનિયામાં મરચાંનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. આ કારણે વિદેશી ખરીદદારોને અહીંથી આખું વર્ષ અવિરત સપ્લાય મળતો રહે છે.
સરળ એશિયન વેપાર: ભારતથી ચીન અને બાંગ્લાદેશ જેવા એશિયાઈ દેશો સુધી શિપમેન્ટ મોકલવું પ્રમાણમાં સરળ અને ઝડપી રહે છે.
ગુંટુર કેવી રીતે બન્યું મરચાંનો ગઢ?
જ્યારે પણ ભારતીય મરચાંની વાત થાય ત્યારે આંધ્રપ્રદેશના 'ગુંટુર' જિલ્લાનું નામ સૌથી પહેલા આવે છે. આંધ્રપ્રદેશ દેશમાં મરચાંના ઉત્પાદનમાં મોખરે છે, જેણે વર્ષ 2023-24માં રેકોર્ડબ્રેક 10.7 લાખ મેટ્રિક ટન મરચાંનું ઉત્પાદન કર્યું હતું. ગુંટુરની ગરમ આબોહવા, ફળદ્રુપ જમીન અને ત્યાંની ખાસ 'ગુંટુર સન્નમ' (Guntur Sannam) બ્રાન્ડે વૈશ્વિક બજારમાં ધૂમ મચાવી છે. અહીં પેઢીઓથી ખેતી કરતા ખેડૂતોનો અનુભવ અને એશિયાનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ નેટવર્ક ગુંટુરને મરચાંની વૈશ્વિક રાજધાની બનાવે છે.
વૈશ્વિક તાકાત
ભારત માત્ર ચીન જ નહીં પરંતુ બાંગ્લાદેશ, થાઈલેન્ડ, અમેરિકા અને મિડલ ઈસ્ટના દેશોને પણ મોટા પાયે મરચાંની નિકાસ કરે છે. મરચાંની નિકાસ ભારતની કુલ મસાલા નિકાસમાં લગભગ 34 ટકા હિસ્સો ધરાવે છે, જે દેશના કૃષિ અર્થતંત્ર માટે કરોડોની કમાણી કરાવતો મુખ્ય સ્ત્રોત છે. વૈશ્વિક સ્તરે ભારત પછી થાઈલેન્ડ, ચીન, ઈથોપિયા અને તુર્કીનો નંબર આવે છે, પરંતુ ભારત લાંબા સમયથી આ યાદીમાં ટોચ પર યથાવત છે.
આ પણ વાંચો:New Delhi: નવી દિલ્હીમાં ક્વાડ બેઠકમાં લેવાયા 3 મોટા નિર્ણય,જાણો કેવી રીતે વધશે ચીનની ટેન્શન